અમરેલીઃ લગ્ન પ્રસંગમાં આજકાલ મોંઘી ગાડી, બગીમાં જાન કાઢવાનું ચલણ વધી રહ્યું છે પરંતુ અમરેલીના એક ગામમાં વરરાજા કારના બદલે બળદ ગાડામાં જાન કાઢીને પરણવા ગયા હતા.
ક્યા ગામથી કયા ગામ ગઈ જાન
આજે સાદું બળદ ગાડું દેખાતું નથી ત્યારે દિતલા ગામના પરિવારે ત્રણ મહિનાની મહેનત કરી બળદ અને ગાડાને શણગારવા માટેની દેશી ભરત અને ઝૂલો શોધી આજથી દાયકાઓ પહેલાની પરંપરા જાળવવા અને નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાવ્યા હતા. સુરત રહેતા લલિતભાઈ ડોબરીયાએ પોતાના પુત્ર હેનિલના લગ્નની જાન બળદગાડામાં જોડી હતી. શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશી ભરતકામથી બળદગાડામાં જાન લઈને તેઓ દિતલાથી નેસડી મુકામે આવ્યા હતા.
વરરાજાને ક્યાંથી આવ્યો આવો વિચાર
હેનિલ ડોબરિયાએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ પોતાના પિતા સાથે વ્યવસાયમાં જોડાયેલો છે. હેનિલે તેના દાદા પાસે સાંભળેલું કે પહેલાના સમયમાં બધા લોકો બળદગાડા અને ઘોડા પર સવાર થઈને પરણવા જતા. હેનિલે પણ પોતાના પરિવારજનો પાસે પોતાની જાન ગાડામાં લઈ જવાની ઈચ્છા વ્યકત કરી તો તેના પરિવારજનોએ પુત્રની ઈચ્છા હર્ષભેર વધાવી લીધી અને ગાડાને શક્ય એટલો જૂનવાણી ટચ આપવાનો પ્રયાસ કર્યો.
મોટી ઉંમરના લોકોને યાદો થઈ તાજી
વર્ષો બાદ દિતલા અને નેસડી ગામના લોકોએ બળદગાડામાં સવાર થઈને આવેલી જાન જોતા મોટી ઉમરના લોકોને ભૂતકાળની યાદો તાજી થઈ હતી. આ ઉપરાંત લોકોએ પણ આ જાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા.