Nadiad Liquor Tragedy: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. નડિયાદના જવાહર નગર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મૃત્યુ પામનારાઓમાં પાણીપુરીનો ધંધો કરનાર, કલર કામ કરનાર અને એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે. પરિવારે દેશી દારૂ પીવાના કારણે મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે.


મળતી માહિતી મુજબ, નડિયાદના જવાહર નગરમાં દેશી દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબિયત લથડી હતી, જેમાંથી ત્રણ લોકોના કમનસીબે મૃત્યુ થયા છે. મૃત્યુ પામનાર વ્યક્તિઓની ઓળખ નીચે મુજબ છે:


યોગેશકુમાર ગંગારામ કુશવાહ, ઉંમર વર્ષ 45, રહે: પરી હાઉસ, એસ.આર.પી., નડિયાદ - વ્યવસાય: પાણીપુરીનો ધંધો


રવીન્દ્ર ઝીણાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 50, રહે: હાઉસિંગ બોર્ડ, જવાહરનગર પાસે, નડિયાદ - વ્યવસાય: કલર કામ


કનુભાઈ ધનજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 59, રહે: જલારામ નગર સોસાયટી, મંજીપુરા રોડ, નડિયાદ - વ્યવસાય: અજાણ્યો (દેશી દારૂના અડ્ડે જ મોત)


એક જ વિસ્તારમાં દેશી દારૂ પીવાના કારણે ત્રણ-ત્રણ લોકોના મોત થતાં સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. મૃતકોના પરિવારજનોએ દેશી દારૂના કારણે જ મોત થયા હોવાનો દાવો કર્યો છે, જેને પગલે આ ઘટના શંકાના દાયરામાં આવી ગઈ છે.


આ ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે નડિયાદ શહેર દારૂનું હબ બની ગયું છે અને સ્થાનિક પોલીસ બુટલેગરોને છાવરી રહી છે, જેના કારણે જવાહરનગર જેવા વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે. કોંગ્રેસે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.


હાલમાં નડિયાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. પોલીસ દ્વારા જવાહર નગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કેસમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.


આ દુઃખદ ઘટનાના પગલે નડિયાદ શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે અને દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.


આ પણ વાંચો...


થરાદના ખેગારપુરામાં માટી ખોદતા મજૂરો પર કાળ ત્રાટક્યો: રેતીના ટ્રકે ૪ જીંદગીઓનો લીધો ભોગ