Vibrant Gujarat Global Summit: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ બુધવારે (10 જાન્યુઆરી) વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા. મુકેશ અંબાણીએ કહ્યું કે જ્યારે પીએમ મોદી બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઉદ્યોગપતિઓ આવી પહોંચ્યા છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અંબાણીએ સમિટની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. આ સમિટની શરૂઆત 2003માં થઈ હતી. પ્રથમ સમિટમાં 700 ડેલિગેટ્સ તેનો ભાગ હતા, પરંતુ હવે તેમાં ભાગ લેનારા ડેલિગેટ્સની સંખ્યા વધીને 1 લાખથી વધુ થઈ ગઈ છે.
પીએમ મોદીને વિશ્વના મહાન નેતા ગણાવ્યા
મુકેશ અંબાણીએ કહ્યું, 'હું ભારતના 'ગેટવે' શહેર મુંબઈથી ગુજરાતમાં આવ્યો છું, જે આધુનિક ભારતના વિકાસનું 'ગેટવે' છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે, જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ પણ નવા ગુજરાત વિશે વિચારે છે. આ પરિવર્તન કેવી રીતે થયું? આ પરિવર્તનનું કારણ એક એવા નેતા છે જે આપણા સમયના મહાન વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ નેતાનું નામ છે પીએમ મોદી, જે ભારતના ઈતિહાસના સૌથી સફળ પીએમ છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે વાત કરતાં અંબાણીએ કહ્યું, 'આ પ્રકારની બીજી કોઈ સમિટ 20 વર્ષથી ચાલુ રહી નથી. પરંતુ આ સમિટ દર વર્ષે વધુ મજબૂત બની રહી છે. આ પીએમ મોદીની દૂરંદેશી અને સાતત્યનું પરિણામ છે. તેમણે કહ્યું, 'હું એવા ભાગ્યશાળી લોકોમાં સામેલ છું કે જેમણે વાઈબ્રન્ટ ગુજરાતની દરેક સમિટમાં ભાગ લીધો છે.'
'મોદી હૈ તો મુમકીન હૈ' - મુકેશ અંબાણી
રિલાયન્સના ચેરમેને કહ્યું કે જ્યારે વિદેશમાં મારા મિત્રો મને પૂછે છે કે 'મોદી હૈ તો મુમકીન હૈ' ના નારાનો અર્થ શું છે, જેનો ઉપયોગ કરોડો ભારતીયો કરે છે. અંબાણીએ કહ્યું કે મેં મારા મિત્રોને કહ્યું કે આ સ્લોગનનો અર્થ એ છે કે ભારતના વડાપ્રધાન પોતાની દૂરંદેશી અને દૃઢ નિશ્ચયથી અશક્યને પણ શક્ય બનાવે છે. આ જ કારણ છે કે મારા વિદેશી મિત્રો પણ મારી સાથે સહમત થાય છે અને કહે છે - 'મોદી હૈ તો મુમકીન હૈ'