ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. વડોદરા, રાજકોટ,મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 23023 ક્યુસેક પાણીની આવક થતાં હાલની ડેમની સપાટી 122.11 મીટરે પહોંચી હતી. રાજ્યમાં સરરેરાશ 40 ટકાથી વધુ વરસાદને લઈને 33 જળાશયો 50 ટકા સુધી ભરાયા હતા. તે સિવાય સાત જળાશયો 70થી 10 ટકા ભરાયા હતા.



કચ્છમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા જેને કારણે જિલ્લાના અનેક ડેમ ઓવરફ્લો થયા હતા. નખત્રાણા તાલુકાનો મોરગર ડેમ છલકાયો હતો. રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 33 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. 2 જળાશયો 100 ટકા અને સાત  જળાશયો 70 થી 100 ટકા તેમજ 8 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે.



નોંધનીય છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ આજે પણ વરસ્યો હતો. રાજકોટ, સુરત, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ સહિતની જગ્યાએ મેઘમહેર યથાવત રહી હતી. વડોદરા અને અમદાવાદમાં રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.