નર્મદા: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીની આવક 6 લાખ ક્યૂસેક્સ પહોંચવાની ધારણા છે. જો સપાટી 131 મીટરે પહોંચે તો કોઈ પણ સમયે દરવાજા ખોલવામાં આવી શકે છે. હાલ સપાટી 130.10 મીટર પહોંચી છે અને આવક 5,05,783 ક્યુસેક્સ નોંધાઇ છે. દર કલાકે 32 સે.મી. નો વધારો નોંધાઈ રહ્યો છે.




નર્મદાના આસપાસના જિલ્લા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ જિલ્લાના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. હાલ સત્તાધીશોના અનુમાન અનુસાર રાત્રે 1 વાગ્યે 131 મીટર પહોંચી શકે છે. જેના પગલે ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ અપાયું છે. નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ.

10 અધિકારીને વિવિધ કાંઠા વિસ્તારનાં 42 ગામોની ડીઝાસ્ટર સંબંધી જવાબદારી સોંપાઈ છે. અધિકારીઓને મામલતદાર, સરપંચ,તલાટી અને પોલીસ જોડે સંકલન રાખવા સૂચના. જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી છે.