Navratri 2023: નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. આ દરમિયાન ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.




નવરાત્રિ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના 1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે. નવરાત્રિ દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે. વધારે ટ્રાફિક થતાં શહેરના વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી છે. મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે. 


નીતા દેસાઈએ કહ્યું હતું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે. ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે. 9 ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે. ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. ટ્રાફિક વિભાગ નવરાત્રી નહીં ઉજવે પણ તમે નવરાત્રી ઉજવી શકો તે માટે અમે બંદોબસ્તમાં રહીશું. નવરાત્રી દરમિયાન ટ્રાફિક વિભાગ, લોકલ પોલીસ અને શી ટીમ હાજર રહેશે. ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે.




15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી નવરાત્રિ દરમિયાન અનેક શુભ યોગ બની રહ્યા છે, જેમાં મિલકત, આભૂષણો, વાહનો અને ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી કરવી પણ શુભ રહેશે. જ્યોતિષ ડો.અનીશ વ્યાસે જણાવ્યું હતું કે આ વખતે રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોવાથી દેવી હાથી પર સવાર થઈને આવ્યા છે.


દેવી દુર્ગાનું આગમન દુઃખમાંથી મુક્તિ સૂચવે છે. આ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હાથીનો સંબંધ વિઘ્નહર્તા ગણેશ અને દેવી મહાલક્ષ્મી સાથે પણ છે. આ કારણથી આ દિવસોમાં કરવામાં આવેલી ખરીદી શુભ રહેશે અને લાંબા સમય સુધી રોકાણ લાભદાયી રહેશે. 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી સર્વાર્થસિદ્ધિ, રાજયોગ, ત્રિપુષ્કર, અમૃતસિદ્ધિ અને રવિયોગ તિથિઓ, સમય અને નક્ષત્રો અનુસાર બની રહ્યો છે. આ શુભ સંયોગો સુખ-સમૃદ્ધિમાં વધારો કરશે.


જ્વેલરી, નવી પ્રોપર્ટી ખરીદવી કે ફ્લેટ બુક કરાવવો એ ખાસ યોગ દરમિયાન લાભદાયક રહેશે. આ ઉપરાંત નવા કાર્યોની શરૂઆત કરવામાં પણ સફળતા મળશે. કાર, સોનું, ચાંદી, કપડાં, વાસણોની ખરીદી શુભ રહેશે. ઘરેણાં, કાર, જમીન, મકાન, ઘરવપરાશની વસ્તુઓ જેવી કે ફ્રીજ, ટીવી વગેરેની ખરીદી શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમે તમારી મનપસંદ વસ્તુઓની ખરીદી કરીને તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો.