નવસારીઃ બીલીમોરા શહેરમાં આવેલ ગૌહરબાગ વિસ્તારમાં  દુકાનમાં આગ લાગી હતી. કલ્પના ફ્લાવર માર્ટ નામની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતાં દુકાનમાં મુકેલ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું થયું મોત તો અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ છે. 


શશીકાંતભાઈ પરસોત્તમભાઈ પટેલ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત  થયું હતું. મોડી રાતનો બનાવ છે.  ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો. બીલીમોરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સુરતઃ સુરતમાં  વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પાંડેસરાના વડોદ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. વડોદના રાજમાતા ચોકમાં પાણીપુરીની લારી ઉપર મજાક મસ્તી હત્યાનું કારણ બન્યું છે. રાહુલ ઠાકુર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પાંડેસરા પોલીસે એક યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. 


સુરતઃ કતારગામની સોસાયટીમાં મધરાત્રે શંકાશીલ પતિએ અલગ રહેતી પત્નીને ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીને છાતી, પેટ અને પગમાં ગોળી મારી દેતા સારવાર માટે સિવિલ ખસેડાવામાં આવી હતી. પતિ-પત્નીના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે, પતિ વહેમીલો હોવાથી અને મારઝૂડ કરતો હોવાથી છેલ્લા 7 વર્ષથી પત્ની બાળકો સાથે અલગ રહેતી હતી. જ્યારે પતિ કર્ણાટક ખાતે રહતો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, ભોગ બનનાર ટીનાબેને 16 વર્ષ પહેલા કર્ણાટકના અખિલેશસિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા જ સમયમાં પતિ વહેમીલો હોવાથી બંને વચ્ચે તકરાર થવા લાગી હતી. પતિ પત્ની પર વહેમ રાખીને મારાઝૂડ કરતો હતો. લગ્ન જીવન દરમિયાન મહિલાને બે બાળકો છે. અંતે કંટાળેલી મહિલા છેલ્લા 7 વર્ષથી પતિથી અલગ રહેતી હતી. 


મહિલાએ ફરિયાદ કરતાં ભરણપોષણનો હુકમ પણ થયો હતો. આ સાથે છૂટાછેડાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. જોકે, કોરોનામાં કોર્ટ બંધ રહેતી હોવાથી છૂટાછેડા થયા નથી. મૂળ રાજસ્થાનની રહેવાસી મહિલાને તેના બહેન-બનેવી અને અન્ય લોકો મદદ કરતા હતા. જેને પતિ અનૈતિક સંબંધ સાથે જોડી પત્નીને બ્લેમ કરતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પતિ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો છે.