નવસારીઃ વાંસદાના કણધા ગામે થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કણઘાની યુવતીને સગાઈ બાદ પણ ફળિયાના કૌટુંબિક ભાઇ સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી સગાઈ બાદ મંગેતરથી દૂર રહેતી હતી. મંગેતરને શંકા જતાં તપાસ કરાવી હતી, જેમાં ભાવિ પત્નીનું લફરું સામે આવતાં ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રેમીની હત્યા કરીને ભાગી ગયો હતો. જોકે, પોલીસે ટેકનિલ સર્વેલન્સને આધારે આરોપીને 48 કલાકમાં ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વાંસદાના કણધા ગામના સાવરપાડા ફળિયામાં રહેતા 22 વર્ષીય યુવકને તેની પારિવારક બહેન સાથે જ પ્રેમસંબંધ હતા. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતા. દરમિયાન યુવતીની સગાઈ ધરમપુરના યુવાન સાથે થઈ હતી. જોકે, સગાઈ પછી પણ યુવતી પોતાના સાસરે કોઈપણ પ્રસંગે જતી ન હતી. એટલું જ નહીં મંગેતરના ફોન પણ ઉપાડતી નહોતી.
યુવકને મંગેતરનું વર્તન અજુગતું લાગતા તેણે ગામમાં તપાસ કરાવી હતી. તપાસમાં ભાવી પત્નીને પારિવારિક ભાઈ સાથે જ પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો હતો. આ જાણકારી મળતાં જ યુવક ભાવી પત્નીના ગામમાં પહોંચી ગયો હતો. જોકે, બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
ખેતરમાં તપાસ કરતાં મંગેતર ભાવી પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા માણતા જોઈ ગયો હતો. આ સમયે બંને યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી મારામારી થતાં મંગેતરે ભાવી પત્નીના પ્રેમીને બોથડ પદાર્થથી માર મારી હત્યા કરી નાખી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યા પોતે કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.