Navsari Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે, દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદથી ફરી એકવાર નદી-નાળા અને સરોવરો છલકાયા છે. છેલ્લા 24 કલાકમાં 142 તાલુકાઓમાં પડેલા વરસાદમાં સૌથી વધુ નવસારી જિલ્લામાં ખાબક્યો છે, ખેરગામમાં 9 ઇંચ, તો ધરમપુર, વલસાડ અને ડાંગમાં 7-7 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. નવસારીની ત્રણેય નદીઓમાં ઘોડાપૂર આવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ખાબકેલા મુશળધાર વરસાદે નવસારીમાં તબાહી મચાવી છે, જિલ્લાની ત્રણેય લોકમાતા ભરપૂર વહી રહી છે. નવસારીની કાવેરી નદી, અંબિકા નદી અને પૂર્ણા નદીમાં અત્યારે ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. અચાનક ખાબકેલા વરસાદથી નદીઓના પાણીથી બીલીમોરા શહેર જળબંબાકાર બન્યુ છે. બીલીમોરા શહેરનો 40 ટકા વિસ્તાર હાલમાં પાણીમાં ગરકાવ દેખાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ, તાપીમાં વરસેલા વરસાદથી નદીઓના જળસ્તર સતત વધી રહ્યાં છે. જિલ્લાની ત્રણેય મોટી નદીઓ અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે, અને દરિયાઈ ભરતી હોવાથી પાણી નથી ઉતરી રહ્યું. જળસ્તર વધતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે અને તંત્ર પણ એલર્ટ મૉડમાં આવ્યુ છે.
ગુજરાત સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ હવામાન અંગે તાજું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગ, રાજસ્થાનના પૂર્વી ભાગ, ગુજરાત, કોંકણ ક્ષેત્ર, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આઈએમડીના હવામાન વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારનું કહેવું છે કે ચોમાસું તેના સક્રિય તબક્કામાં આવી ગયું છે. તેમણે મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગ, રાજસ્થાનના પૂર્વી ભાગ, ગુજરાત, કોંકણ ક્ષેત્ર, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં અત્યધિક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આગામી બે દિવસ દિલ્હીમાં વરસાદ નહીં થાય. તેમણે આગળ જણાવ્યું કે આવનારા દિવસોમાં કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને તમિલનાડુમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, આવનારા દિવસોમાં ઉત્તર પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આગળ કહ્યું કે જ્યારે ચોમાસું તેની નજીકની સ્થિતિમાં આવશે ત્યારે દિલ્હીમાં હળવો વરસાד થઈ શકે છે.