ગાંધીનગરઃ રાજ્યભરમાં બિનખેતીના અરજદારો માટે સરકાર સારા સમાચાર લાવી છે. સરકારે રિવાઈઝ ઓનલાઈન એનએ માટે નિયમો સરલ કર્યા છે. નવા નિયમ અનુસાર હવેથી કોઈપણ અરજદાર દ્વારા અરજી કર્યા બાદ તેમાં કોઈ  ભૂલ કે ક્ષતિ ન હોય અને અરજી નામંજૂર થાય અથવા સમય મર્યાદામાં નિકાલ ન થાય તો ફરીથી અરજી કરવા સમયે અરજદાર પાસેથી બીજી વખત અરજી ફી લેવામાં આવશે નહીં. ફીની રકમ ઈ-ધરા ખાતે ઉધારવાનો નિર્ણય સરકારે કર્યો છે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, અરજદારોની રજૂઆતોને ધ્યાને લઇને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કોઈ કરણસર એનએની અરજી અમાન્ય થાય અને અરજદાર બીજી વખત ઓનલાઈન અરજી કરે ત્યારે અગાઉના સોગંદનામામાં કોઈ ક્ષતિ ન હોય તો નવેસરથી સોગંદનામું કરવાનું રહેશે નહીં. તેની જગ્યાએ અગાઉથી જ જે સોગંદનામું કર્યું હોય તે ફરીથી અપલોડ કરી શકાશે. ઉપરાંત એકથી વધુ પ્લોટ કે હિસ્સાધારકો હોય તેવી જમીનમાં રિવાઇઝ બિનખેતી પરવાનગી માટેની અરજી અને સોગંદનામામાં તમામ હિસ્સાધારકોને બદલે એક જ પ્લોટધારકની સહી પણ માન્ય ગણાશે.