Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 17 અને 18 જુલાઈ આસપાસ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે ભારે વરસાદની શક્યતા નથી.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ 22થી 30 જુલાઈ વચ્ચે વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તેમણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના હોવાનું જણાવ્યું છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જેના કારણે યાત્રામાં જોડાનારા ભક્તો અને આયોજકોએ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તૈયારી રાખવી જોઈએ.જો કે, આ આગાહી હવામાનના વર્તમાન પરિબળોના આધારે કરવામાં આવી છે અને પરિસ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા રહેતી હોવાથી નાગરિકોને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર પણ નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
હવામાન વિભાગની આગાહી
અલનીનોની અસરના કારણે રાજ્યમાં મોનસૂન નબળું પડ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગે આગામી 18 જુલાઇથી વાતાવરણમાં ફરી પલટાની અને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાનના કેટલાક મોડલના અભ્યાસ જણાવે છે કે, બંગાળની ખાડીમાં 18 જુલાઇની આસપાસ એક સિસ્ટમ એક્ટિવ થઇ શકે છે. જેના કારણે ગુજરાત તરફ આવતા પવનને ભેજ મળતાં ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ જો ક્રિએટ થાય તો પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જુલાઇના અંતમાં એટલે કે 27 જુલાઇથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
આજે કયાં પડી શકે છે વરસાદ? હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,દિવમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે.
