જૂનાગઢઃ ગિરનાર રોપ-વેની ટિકિટને લઈ જૂનાગઢના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 29 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી જૂનાગઢમાં રહેતા લોકો માટે ટિકિટના દરમાં રાહત આપવામાં આવી છે. 5 વર્ષથી 10 વર્ષના બાળકો માટે 250 રૂપિયા જ્યારે 10 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મુલાકાતીઓ માટે રોપ--વે ટિકિટનો દર 500 રૂપિયા રહેશે.


આ જાહેરાત માત્ર જૂનાગઢમાં રહેતા લોકો માટે જ કરવામાં આવી છે. રોપ-વે યોજના અમલીકરણ બાદ જૂનાગઢ વાસીઓએ આપેલ સહયોગ બદલ આ સ્કીમ આપવામાં આવી છે.

જોકે અન્ય લોકો માટેના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપનીએ જાહેર કર્યા મુજબ પુખ્તવયના મુલાકાતીઓએ તેમના આવવા-જવાના ભાડા પેટે 18 ટકા જીએસટી સાથે 700 રૂપિયા અને બાળકોના 350 ચૂકવવાના રહેશે, જયારે એક તરફ્ની મુસાફરી માટે જીએસટી સાથે 400 રૂપિયા નક્કી કર્યા છે.

આ પહેલા જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રોપ વે ની ટીકીટના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય તો છે પરંતુ ભાવ સાંભળીને પરત ફરે છે, ગુજરાતના અન્ય રોપ-વે ની સરખામણીમાં અથવા તેની લંબાઈના પ્રમાણમાં એવરેજ ટીકીટના દર ઘણો ઉંચો છે. સામાન્ય ગરીબ વર્ગને પરવડે તેમ નથી. તો ટીકીટના દર ઘટાડવા લોકોની લાગણીઅને માંગણી છે, આ અંગે કંપની સાથે પરામર્શ કરી ટીકીટના દર વ્યક્તિ દીઠ 400 રૂપિયા આસપાસ રહે તેવી માંગણી કરી છે.

ગુજરાતમાં બનેલા રોપ વે ની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સાપુતારામાં બનેલા રોપ વે ની સફર માટે વયસ્ક પ્રવાસીના ભાવ ૬૨ રૂપિયા છે, તો 1986 માં પંચમહાલ જિલ્લામાં પાવાગઢમાં ડુંગર પર માં મહાકાળીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ 141 છે, તો 1898 માં અંબાજીમાં માં અંબાજીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ 118 છે, જયારે ગિરનાર પર માં અંબાના દર્શન માટે રોપ વે નો ભાવ હાલ 700 અને 21 દિવસ પછી 826 થનાર છે. પાવાગઢ રોપ વે ની લંબાઈ 763 મીટર, અંબાજી રોપ વે 363 મીટર અને ગિરનાર રોપ વે 2320 મીટર લાંબો છે, જેમાં લંબાઈ વધારે તેમ તેના ભાવ પણ 7 ગણા વસુલવામાં આવી રહ્યા છે. આને લઈને રાજ્ય સરકારે ભાવ નક્કી કરવા માટે દરમિયાનગીરી કરે તેવી લોકોની માંગ ઉઠી છે.