અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી પડી રહેલ અવિરત વરસાદ બાદ હવે વરસાદને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી.


બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે પાકિસ્તાન તરફ ફંટાઈ જતા રાજય પરથી ભારે વરસાદનું સંકટ હાલ પૂરતું તો ટળ્યું છે. જો કે, વિધિવત ચોમાસાની વિદાયને હજી એક મહિનાનો સમય બાકી છે. રાજયમાં અત્યાર સુધીમાં 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

બીજી બાજુ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા ડેમની સપાટી 133 મીટરને પાર થઈ ગઈ છે. નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 12 લાખ 57 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. તો 10 લાખ 14 હજાર ક્યૂસેક પાણી છોડવામા આવી રહ્યું છે. ડેમના હાલ 23 દરવાજાઓ 7.65 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેના પગલે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામા આવ્યા છે.