બનાસકાંઠાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. બનાસકાંઠાની કેનાલોમાં પાણી છોડવામાં આવશે. આ જાહેર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી હતી. સી. આર. પાટીલ બનાસકાંઠાના વડગામ તાલુકાના લીંબડી ગામે પહોંચ્યા હતા.  સંબોધન દરમિયાન પાટીલે જાહેરાત કરી હતી કે આજથી 10 દિવસ સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવશે.  છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા હતા.  પાલનપુરમાં કલેક્ટર કચેરીએ ખેડૂતોએ ધરણાં યોજ્યા હતા. જેમાં 4 હજાર મહિલા પશુપાલકો પણ જોડાયા હતા.


બીજી તરફ વડોદરના ડભોઈમાં સિંચાઈનું પાણી નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા છે. સિંચાઇના પાણી માટે અધિકારીઓને લેખિતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પાણી શરૂ ન થતા રોષે ભરાયેલા ખેડૂતોએ નર્મદા નહેરની મેઇન બ્રાન્ચ 21નો ગેટ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. પોર બ્રાન્ચ નર્મદા નહેરમાં પાણી લાવવા માટે મેઈન બ્રાંચ 21નો ગેટ ખુલ્લો હતો. પરંતુ ખેડૂતોનો આરોપ છે કે આ ખુલ્લા ગેટરથી ઉદ્યોગપતિઓને પાણી ફાળવવામાં આવી રહ્યું છે.


કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો


મધ્યમવર્ગને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. LPG બાદ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ જે 2 હજાર 710 રૂપિયા હતો. તે હવે 2 હજાર 730 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 580 રૂપિયા હતો. જે હવે 2600 રૂપિયા પર પહોંચ્યો છે. લગ્નોની શરૂઆત થવાની સાથે જ ખાદ્યતેલમાં ભાવ વધારો થતા લોકોને મોંઘવારીનો માર પડ્યો છે.


મોંઘવારી આસમાને


દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. પેટ્રોલ-ડીઝલથી લઈને ફળ-શાકભાજીના ભાવ આસમાને છે. ખાદ્યતેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે રસોડાના બજેટને ઘણી અસર થઈ છે. એલપીજીના ભાવ પણ વધી ગયા છે જેના કારણે ગેસ સિલિન્ડર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. ઘઉં, ચોખા, લોટ, કઠોળ અને તેલના ભાવમાં પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે.


છેલ્લા એક મહિનાની સરખામણીમાં પેટ્રોલના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડીઝલના ભાવમાં પણ પાછલા મહિનાની સરખામણીએ 12 ટકાનો વધારો થયો છે. જ્યારે એલપીજીના ભાવમાં પાછલા મહિનાની સરખામણીમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે.