રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે.
રાજ્યમાં હજુ સુધી 12.26 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 37.09 ટકા જ વરસાદ વરસ્યો છે. હાલ રાજ્યમાં વરસાદની 48 ટકા ઘટ છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં હવે ફરી ચોમાસુ જામી શકે છે. ગુજરાતના જે જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને સુરેંદ્રનગરનો સમાવેશ થાય છે.
કચ્છ ઝોનમાં અત્યાર સુધી સીઝનનો 31.74 ટકા વરસાદ નોંધાયો. તો ઉત્તર ગુજરાતમાં 31.26 ટકા, મધ્ય ગુજરાતમાં 34.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 42.01 ટકા અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સીઝનનો 34.11 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતામાં છે.
અમદાવાદમાં વરસાદ
લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કાલુપુર, દિલ્લી ચકલા, શાહપુર, દરિયાપુર સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સરખેજ, નરોડા પાટિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. તો આ તરફ શીલજ, જગતપુર, સિંધુભવન રોડ, ઈસ્કોન, પકવાન, થલતેજ, સાયંસસિટી, સોલા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. સાથે જ બોડકદેવ,વસ્ત્રાપુર, એસ.જી હાઈવે, બોપલ, જજીસ બંગલો રોડ પર પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો. અમદાવાદામાં ઓગસ્ટ મહિનામાં આ પ્રથમ વરસાદ છે. અમદાવાદ શહેરમાં આ સીઝનનો અત્યાર સુધી સાડા સાત ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.
ખેડા જિલ્લામાં વરસાદ
ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. યાત્રાધામ ડાકોર, ઠાસરા, ગળતેશ્વર, મહુધા, મહેમદાબાદ, નડિયાદ શહેરમાં રાત્રે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ચરોતરના તમાકુ, ડાંગર સહિતના પાકોને વરસાદના કારણે નવું જીવનદાન મળ્યું છે.