Gujarat Rain Alert: હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આ અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
- આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત, તાપી, ડાંગ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
- આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
- અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.
દેશભરમાં પાંચ ટકા વધારાનો વરસાદ લાવનાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની યાત્રા સોમવારે (23 સપ્ટેમ્બર) શરૂ થઈ, પરંતુ હવામાન કાર્યાલયે આગામી સપ્તાહમાં ઘણા વિસ્તારોમાં વ્યાપક વરસાદનો અંદાજ પણ વ્યક્ત કર્યો છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું, "દક્ષિણ પશ્ચિમ ચોમાસું 17 સપ્ટેમ્બરને બદલે 23 સપ્ટેમ્બરે પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી પાછું ફર્યું છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો તેમજ પંજાબ, હરિયાણા અને ગુજરાતના આસપાસના વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસી માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે."
દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો, પરંતુ 36 હવામાન વિજ્ઞાન સંબંધિત ઉપમંડળમાંથી પાંચમાં ઓછો વરસાદ નોંધાયો. આમાં જમ્મુ કાશ્મીર (26 ટકા વરસાદ ઓછો), હિમાચલ પ્રદેશ (20 ટકા ઓછો), અરુણાચલ પ્રદેશ (30 ટકા ઓછો), બિહાર (28 ટકા ઓછો) અને પંજાબ (27 ટકા ઓછો) સામેલ છે.
કુલ 36 ઉપમંડળમાંથી નવમાં અત્યધિક વરસાદ થયો જેમાં રાજસ્થાન (74 ટકા), ગુજરાત (68 ટકા), મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ સામેલ છે.
સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એક જૂન સુધીમાં કેરળમાં દસ્તક આપે છે અને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં આખા દેશમાં ફેલાઈ જાય છે. તે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતમાંથી પાછું ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂરી રીતે પાછું ફરી જાય છે.
આ ચોમાસામાં દેશમાં એક જૂનથી 23 સપ્ટેમ્બર વચ્ચે 880.8 મિલીમીટર વરસાદ થયો, જ્યારે સામાન્ય રીતે 837.7 મિમી. વરસાદ થાય છે.
હવામાન કાર્યાલયે મંગળવારે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાનો અંદાજ વ્યક્ત કર્યો છે જેનાથી પૂર્વી દરિયાકાંઠે કેટલાક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ આગામી સપ્તાહ દરમિયાન દરિયાકાંઠાના અને ઉત્તર કર્ણાટકના આંતરિક વિસ્તારો, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ખૂબ ભારેથી અત્યંત ભારે વરસાદનો અંદાજ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ
ચોમાસું વિદાય લઈ રહ્યું છે, એવું વિચારવાની ભૂલ ન કરશો! હજુ પણ આ રાજ્યોમાં આફત લઈને આવશે વરસાદ