અમદાવાદઃ એસટી નિગમની ગ્રામ્ય રૂટની બસોનું સંચાલન આજથી રાબેતા મુજબ શરૂ થઈ જશે. છેલ્લા પાંચ માસથી પ્રભાવીત એસ.ટી.બસ સેવાની 80 ટકા બસો આજથી માર્ગ ઉપર દોડવવા અને ગામડામાં નાઈટ હોલ્ડ કરતી બસો હવે ગામડાઓમાં જ રોકવાનો નિર્ણય કરાયો છે. ગ્રામ્ય વિસ્તારની બસોનું સંચાલન શરૂ કરતા કુલ શિડ્યુલની સંખ્યા વધીને 6 હજાર થઈ છે.


જો કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખી ગ્રામ્ય વિસ્તારની બસોમાં કંડક્ટરોને થર્મલ ગન આપવામાં આવશે જેના માટે નિગમે વધુ 2 હજાર થર્મલ ગનનો ઓર્ડર આપ્યો છે. ગામડાઓમાં રાત્રિ રોકાણના આ નિર્ણયથી મુસાફરને વધુ સુવિધા મળી રહેશે.

ગુજરાત એસટી નિગમ 7 સપ્ટેમ્બરથી મોટા શહેરોને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા નાઈટ આઉટ રૂટ પણ શરૂ કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારની બસોનું તબક્કાવાર સંચાલન શરૂ થતા નિગમ દ્વારા 80 ટકા બસોનું સંચાલન શરૂ કરી દેવાશે. એસટી નિગમના અધિકારીએ જણાવ્યું કે, સોમવારથી નિગમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની બસોનું સંચાલન શરૂ કરતા કુલ શિડ્યુલની સંખ્યા વધીને 6000 થશે.