નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું, આખી હડતાળ જ ગેરવાજબી છે. મેડિકલ ઈન્ટર્ન હાલની સ્થિતિનો ગેરલાભ લેવા પ્રયત્ન કરવો ન જોઈએ. જો ઈન્ટર્ન્સ તેમની હડતાળ જારી રાખશે તો સરકાર આકરા પગલાં ભરશે અને કાલથી ગેરહાજરી ભરવાનું શરૂ કરશે. ગેરહાજરી હશે તે ઈન્ટર્નને પીજીમાં એડમિશન પણ નહીં મળે.
સરકારી હોસ્પિટલોના ઈન્ટર્ન ડૉક્ટરો સ્ટાઈપેન્ડમાં વધારા માટે હડતાળ પર ઉતર્યાં છે. છેલ્લા આઠ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે હાલમાં તેમને રૂ. 12,800 સ્ટાઈપેન્ડ મળે છે, જે વધારીને રૂ. 20 હજાર કરવું જોઈએ.
ઈન્ટર્ન તબીબોને સ્ટાઈપેન્ડ પેટે કૉંગ્રેસે 20 હજાર ચૂકવવાની માંગણી કરી છે. મનીષ દોશીએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી 2018ની પાછલી અસરથી 20 હજારની ચૂકવણી કરવાની માગ કરવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે સાંજની OPD ચાલુ કરાશે. કોરોનાની કામગીરી હળવી થતા સાંજે પાંચ વાગ્યા સુધી OPD ચાલશે. કોરોનાની કામગીરીમાં હળવાશ અને દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નામાંકિત ખાનગી ડૉક્ટરો હવે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે માનદ સેવા આપશે. મહાનગરોમાં નામાંકિત ખાનગી ડૉક્ટરોની માનદ સેવાનો લાભ સરકારી હોસ્પિટલમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.