ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હીમાં સોમવારે અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નીતિન પટેલ મોદીને મળવાના છે એવી કોઈ શક્યતા નહોતી ત્યારે અચાનક જ પટેલ મોદીને મળતાં રાજકીય અટકળોનું બજાર તેજ બન્યું છે. નીતિન પટેલને કેન્દ્રમાં કોઈ મહત્વનો હોદ્દો સોંપાય કે પછી કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવાય એવી અટકળો ચાલી રહી છે પણ  નીતિન પટેલે સત્તાવાર રીતે કશું પણ કહેવાનું ટાળ્યું છે.


આ મુલાકાત બાદ નીતિન પટેલે મોદી સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા. નીતિન પટેલે લખ્યું છે કે, આજે તા. ૧૮/૧૦/૨૦૨૧ને સોમવારના રોજ દેશના લોકપ્રિય અને સતત પ્રજાલક્ષી નિર્ણયો કરનાર માન. વડાપ્રધાનશ્રી @narendramodi જી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી.






આ મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર મૂકાયા છે. ફોટોમાં મોદી અને પટેલ બન્ને પ્રસન્ન મુખમુદ્રામાં જણાયા છે. આ મુલાકાત બાદ એવી ચર્ચા વહેતી થઇ છે કે નીતિન પટેલને નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારમાં  કોઈ મહત્ત્વની જવાબદારી આપી શકે છે અથવા તો કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવી શકે છે.


નીતિન પટેલે  સરકારમાંથી રાજીનામું આપ્યું એ વખતે પણ નીતિન પટેલને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવશે એવી વાતો વહેતી થઇ હતી.  આ મુલાકાત બાદ એવી વાત પણ જાણવામાં આવી છે કે તેઓ નીતિન પટેલને કેન્દ્ર સરકારના મહત્ત્વના વિભાગ કે સંસ્થામાં હોદ્દો આપે એવી શક્યતા છે.


આ મુલાકાત બાદ મીડિયાએ નીતિન પટેલ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ તદ્દન ઔપચારિક મુલાકાત હતી.અઠવાડિયા પહેલાં મેં વડાપ્રધાનનો સમય માગ્યો હતો અને તેમણે મને મળવા બોલાવ્યો હતો. અમે બંનેએ 40 મિનિટ સુધી અલગ અલગ બાબતો પર ચર્ચા કરી હતી અને ઘણી જૂની અને નવી વાતો અંગે અમારી વચ્ચે ચર્ચા થઇ હતી.