જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના જાણીતા પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી નહીં થાય. કોરોના પરિસ્થિતિમાં લોકડાઉન અને સરકારના નિર્દેશોને ધ્યાનમાં રાખી મંદિર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૨૩ જૂનના રોજ યોજાનાર આષાઢી બીજનો મેળો મુલતવી રખાયો છે.


અષાઢી બીજનો મેળો તો મુલતવી રાખવામાં આવ્યો છે. સાથે સાથે મંદિર પણ દર્શનાર્થીઓ માટે ૩૦ જૂન સુધી બંધ રહેશે.ઉલ્લેખનીય છે કે પરબધામ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકસમુ ધામ છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પરબધામ ખાતે દર વર્ષે અષાઢી બીજની ઉજવણી ભક્તિભાવથી કરવામાં આવે છે, જેમાં દેશ-વિદેશના મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે, ત્યારે મંદિર દ્વારા લોકોને ૩૦ જૂન સુધી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.