સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કુલ સંક્રમિત કેસનો આંકડો 3301 પર પહોંચ્યો છે અને કુલ 151 લોકોનાં મોત નિપજ્યાં છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયેલા છે. અમદાવાદમાં 2181 કેસ નોંધાયેલા છે.


મહત્વની વાત એવી છે કે, ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોના પહોંચી શક્યો નથી. ત્રણેય જિલ્લા અને શહેરના લોકો દ્વારા પણ લોકડાઉનનો ચુસ્ત પણે અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં જૂનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા આ ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલો નથી.

નોંધનીય છે કે, અમરેલીમાં 3408 લોકોનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જોકે આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જોકે આ તમામ લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. દેવભૂમિ દ્વારકામાં 816 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે જ્યારે જૂનાગઢમાં 1775 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, શહેરમાં આવશ્યક સામાન સિવાયની તમામ દુકાનો 3 મે સુધી બંધ રહેશે. વેપારી એસોસિએશન સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે અમુક વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ હતી.

નેહરાએ કહ્યું કે, અમદાવાદમાં ડબલિંગ રેડ ચારથી વધીને આઠ દિવસનો થઇ ગયો છે. દર્દીઓના મૃત્યુ કરતા સાજા થવાનો દર પણ બમણો થયો છે. તંત્ર દ્ધારા ફાઇવ સ્ટાર હોટલો સાથે MOU કરવામાં આવ્યા છે જે અનુસાર સમરસ હોસ્ટેલમાં રહેવા ન માગતા લોકો ફર્ન હોટલમાં રહી શકે છે.