અમદાવાદઃ કોરોના વાયરસને વગલે સરકારે બહાર પાડેલ એસઓપીના આધારે કેવડિયા ખાતે આવેલ જંગલ સફારીમાં 10 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ માટે કોઈ ઉંમરની મર્યાદા રાખવામાં આવી નથી.


તંત્રના આ નિયમને કારણે કેવડિયા પહોંચેલ પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી દ્વારા જંગલ સફારીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં એસઓપી પ્રમાણે 10 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે. જેના કારણે બાળકો સાથે જંગલ સફારી પહોંચેલ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે કેવડિયામાં સ્ટચ્યુ ઓફ યુનિટી ખાતેના એક અધિકારીએ જણાવ્યું કે, એઓપી પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઈ ઉંમરની મર્યાદા નથી. જોકે જંગલ સફારીમાં બાળકો માટે એસઓપી મુજબ પ્રતિબંધ છે. જંગલ સફારીના એક અધિકારીએ કહ્યું કે, એસઓપીને ભાગરૂપે બાળકોને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો છે. બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

જાણકારોના મતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બાળક પ્રવેશી શકે અને જંગલ સફારીમાં નહીં તેવો વિરોધાભાસ જ આશ્ચર્યજનક છે.

હકીકતમાં પર્યટનના સ્થળો માટે સમાન નિયમો જ રાખવા જોઇએ, જેથી પ્રવાસન સ્થળે પહોંચ્યા બાદ સહેલાણીઓને પરેશાનીનો સામનો કરવો ના પડે.

હાલમાં કોરોનાને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવસ દરમિયાન મહત્તમ 2500 વ્યક્તિને જ આપવામાં આવે છે.