રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. હવામાનના મતે રાજ્યમાં છૂટ્ટો છવાયો વરસાદ રહેશે. હાલ ક્યાય પણ ભારે વરસાદની આગાહી નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં 242 મિમી વરસાદ વરસી ચૂક્યો છે.


જ્યારે વાસ્તવમાં 27 જુલાઈ સુધીમાં રાજ્યમાં 336 મીમિ વરસાદ વરસવો જોઈતો હતો એટલે કે હજુ પણ 28 ટકા રાજ્યમાં વરસાદની ઘટ છે. વધુમાં કહ્યું કે બંગાળની ખાડીમાં એક લો- પ્રેશર બની રહ્યું છે. જેની વધુ અસર ગુજરાતમાં નહીં જોવા મળે.


વાવેતર વધ્યું


રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ વરસતા કૃષિ વાવેતરમાં વધારો થયો છે. રાજ્યમાં કૃષિ વાવેતર 75.80 ટકા થઈ ગયું છે. રાજ્યમાં મગફળીનું સંપૂર્ણ 100 ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. જ્યારે કપાસનું વાવેતર 85 ટકા થયું છે.


રાજ્યમાં મગફળી 18.68 લાખ હેકટર વિસ્તારમાં 110 ટકા વાવેતર થયું છે. રાજ્યમાં ડાંગરનું 4.21 લાખ હેકટરમાં 50.71 ટકા વાવેતર, બાજરીનું 1.29 લાખ હેકટરમાં 75.54 ટકા વાવેતર, મકાઈનું 2.76 લાખ હેકટરમાં 92 ટકા વાવેતર, તુવરનું 1.75 લાખ હેકટરમાં 84 ટકા વાવેતર, મગનું 53 હજાર હેકટર વિસ્તારમાં 63 ટકા વાવેતર, સોયાબીન નું 2.17 લાખ હેકટર વિસ્તારમાં 168 ટકા વાવેતર,  કપાસનું 21.77 લાખ હેકટર વિસ્તારમાં 85 ટકા વાવેતર અને શાકભાજીનું 1.71 લાખ હેકટર વિસ્તારમાં 70.94 ટકા વાવેતર થયું છે.


સ્ટેટ ઈમરજંસી ઓપરેશન સેંટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સાથે મંગળવારે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. વીડિયો કોંફ્રેસના માધ્યમથી મળેલી બેઠકમાં રાજ્યમાં વરસાદની આગાહી અને વરસેલા વરસાદ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે ચાલુ વર્ષે 26 જુલાઈ સુધીમાં અંદાજીત 64.85 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 64.28 લાખ હેક્ટર વાવેતર થયુ હતુ.


આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 75.80 ટકા વાવેતર થયું છે. તો સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સરદાર સરોવર જળાશયમાં  એક લાખ 55 હજાર 117 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના 46.43 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાં બે લાખ 52 હજાર 617 એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના 45.32 ટકા છે. હાલ રાજ્યમાં હાઈએલર્ટ પર કુલ નવ જળાશય છે. જ્યારે એલર્ટ પર સાત જળાશય છે. તેમજ વોર્નિંગ પર નવ જળાશય છે.