નવસારી: વરસાદી પાણીનો સંગ્રહ જરૂરી બની ગયો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. જાળવણીના અભાવે માત્ર સરકારના રૂપિયાનું પાણી કર્યાનો સ્વર ઉભો થયો છે.
ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ પડે છે. તે તમામ પાણી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓ દ્વારા નવસારી જિલ્લામાં આવે છે અને દરિયામાં ભળે છે. આ નદીઓમાંથી ચેકડેમ બનાવી પાણી સંગ્રહ કરવાની સરકારની યોજનાઓ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે. વર્ષ 2002થી સરદાર પટેલ પાણી પુરવઠા યોજના અંતર્ગત ચેકડેમો બનાવવાની શરૂઆત પણ કરવામાં આવી અને વર્ષ 2010 સુધી તમામ ચેકડેમો પૂર્ણ કરી દેવામાં આવ્યા પરંતુ પાણીનો સંગ્રહ યોગ્ય પ્રમાણમાં થઈ શક્યો નથી. સરકારી બાબુઓની અન આવડતના કારણે પૈસા પાણીમાં વહી જાય છે. પાણીનો સંગ્રહ થતો નથી જેને કારણે ભૂગર્ભ જળ રીચાર્જ થતા નથી અને પાણીનું સ્તર દિવસેને દિવસે નીચુ થતુ જાય છે. જે ભવિષ્ય માટે મોટી સમસ્યા સર્જે તેવુ દેખાઈ રહ્યું છે.
નવસારી જિલ્લામાં કુલ 1152 જેટલા ચેકડેમો કરોડોના ખર્ચે વહીવટી તંત્ર દ્વારા બનવામાં આવ્યા છે. જેમાંથી મોટા ભાગના ચેકડેમો હાલની પરિસ્થિતિએ ખખડધ્વજ હાલતમાં આવી ગયા છે. હાલમાં નહેર દ્વારા આવતા પાણી અટકાવવા બિલકુલ સક્ષમ નથી ત્યારે વરસાદી પાણી આવે ત્યારે આ ચેકડેમોની હાલત કેવી થતી હશે તે વિચારવા જેવો પ્રશ્ન બની ગયો છે. સમગ્ર ચેકડેમોમાં ચેકીંગ કરવામાં આવતા મોટાભાગના ચેકડેમોમાં લગાવવામાં આવતા દરવાજાઓ ગાયબ હતા. ચેકડેમો તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી પાણી આવે તો પણ સંગ્રહ ન થવાને કારણે પાણી હોવા છતાં તરસ્યા રહેવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
હાલ ડેમમાં તો એક વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે,પરંતુ અમુક ચેકડેમમાં તળિયા દેખાવા લાગ્યા છે. આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં જ્યારે ઉનાળો આવશે ત્યારે ખેડૂતો માટે પોતાનો પાક બચાવવા માટે પાણી નહીં બચે. બીજી બાજુ પશુઓ માટે પણ પીવા માટે પાણીનું એક ટીપું ન બચતાં ખેડૂતોમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ખેડૂતો માટે સરકાર અનેક યોજનાઓ લાવે છે પણ આ યોજનાઓ ખેડૂત સુધી પહોંચે તેમાં વચ્ચે રહેલા સરકારી બાબુઓ પોતાની કટકી કરવા હલકી ગુણવત્તા વાળું કામ કરી કાગળીયાઓ પર કામગીરી બતાવી ઉપરના અધિકારીઓને સબ કુશલ મંગલનું રટણ કરે છે. પછી થોડા સમય બાદ એ જ કામ તૂટી ગયું તેમ કહી રીપેરીંગના બહાને વધુ મલાઈ ખાવાના રસ્તાઓ તૈયાર કરી આયોજન બદ્ધ ખાયકી માટે તખતો તૈયાર કરે છે.