ડાંગઃ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. આહવા અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. માવઠાને કારણે નાગલી, સ્ટ્રોબેરી, ડાંગર જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ડાંગ દરબારની કરવામાં આવી રહેલી તૈયારીઓમાં વિક્ષેપ પડી રહ્યો છે. આહવા ખાતે યોજાનારા ડાંગ દરબારને લઈને LED અને સાઉંડ સિસ્ટમ લગાવવામાં આવી હતી. કમોસમી વરસાદના કારણે પલળતા નુકસાન થયું છે. કમોસમી વરસાદમાં ઈલેકટ્રિક ઉપકરણોને બચાવવા માટે પ્લાસ્ટિકનો સહારો લેવામાં આવ્યો હતો.13 માર્ચના રવિવારના રાજ્યપાલની હાજરીમાં ડાંગ દરબાર યોજાશે.
રાજ્યમાં હિટવેવની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે શનિવારથી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવનો અનુભવ થશે. હોળી પછી તાપમાનનો પારો 40ને પાર કરી જશે તેવી શક્યતા છે. આમ પણ માર્ચ મહિનાના પ્રારંભે જ રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે. તેની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આવનારા ચારથી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવ પણ અનુભવાશે..
શનિવારે પોરબંદર, ગીર સોમનાથ દીવ અને કચ્છમાં હિટવેવ અનુભવાશે. જ્યારે રવિવારે પોરબંદર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, સુરેંદ્રનગરમાં હીટવેવની સ્થિતિ રહેશે.ગરમીનો પારો વધવાની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં છવાયું વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. આહવામાં ડાંગ દરબારની તૈયારી ચાલી રહી છે ત્યારે માવઠાથી તૈયારીને બ્રેક વાગી છે.
હવામાન વિભાગે એવી પણ સુચના આપી કે, નવજાત બાળકો, વૃદ્ધો તથા ગંભીર બીમારીથી ધરાવતા લોકો ખુલ્લા તાપમાં બહાર ન નીકળે અને જો નીકળવાનું થાય તો માથુ ઢાંકીને નીકળે.