Salangpur: સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમાને લઇને ચાલી રહેલો વિવાદ વધુ વર્ક્યો છે. સાળંગપુર અને કુંડળધામમાં હનુમાન દાદાના અપમાનના વિવાદમાં નૌતમ સ્વામીના પડકારના કારણે વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ નૌતમ સ્વામીએ કહ્યુ હતું કે સ્વામિનારાયણ એ ભગવાન છે.  કોઈએ વ્યક્તિગત ચર્ચા કરવી હોય તો કરી શકે છે.  ભગવાન સ્વામિનારાયણે કળિયુગમાં જન્મ લઈને અધર્મનો નાશ કર્યો હતો. લોકો હાલમાં જે વાતો કરે છે તેનાથી સત્સંગીઓએ નિરાશ થવાની જરૂર નથી. કોઈને નીચા દેખાડવાનો પ્રયાસ કરાયો નથી.




નૌતમ સ્વામીએ દાવો કર્યો હતો કે સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે' હનુમાનજીએ સેવા કર્યાનો ઈતિહાસ છે. જેમને પ્રશ્ન હોય તેઓ યોગ્ય ફોરમ પર આવે. કોર્ટ ગયા છો તો કોર્ટમાં જવાબ આપીશું. સામાન્ય માણસોને જવાબ આપવાની જરૂર નથી.



જોકે આ મામલે જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે આ પ્રતિક્રિયા પાયાવિહોણી છે. આ નિવેદન સનાતન ધર્મને હાનિ પહોંચાડે તેવું છે. આ બધી વાહિયાત વાતો છે. નૌતમ સ્વામી અનુયાયીઓને કટ્ટરતા શીખડાવે છે. નૌતમ સ્વામીએ શંખનાદ કરી દીધો છે.  બીજી તરફ હર્ષદ ભારતીએ કહ્યું હતું કે રાજ્યના સાધુસંતોએ હવે એક થવાની જરૂર છે. સનાતન ધર્મને બચાવવા બધાએ મેદાનમાં ઉતરવુ પડશે.



વાસ્તવમાં કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચે લગાવેલ પ્લેટને લઈ મોરારી બાપુ જેવા કથાકારો બાદ અનેક સંત-મહંતો આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.  પ્રતિમાની નીચેની પ્લેટમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીને નમન કરતા બતાવ્યા હોવાના કારણે ભક્તોમાં રોષ ફેલાયો છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સ્પષ્ટ કર્યું કે હનુમાનજી આદી અનાદી કાળથી છે. રાજકોટમાં બહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા. બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુરમાં જઈને વિરોધ પ્રદર્શન કરશે. સાથે સ્વામિનારાયણના સંતોને પાંચ તારીખ સુધીનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર આકરા પ્રહારો કર્યા હતા. કરણી સેના આગેવાનો પણ વિરોધ પ્રદર્શન કરશે.