અમદાવાદઃ  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં આગામી અઠવાડિયે ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગરમીની સંભાવનાઓ સાથે તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાનું પણ હવામાન વિભાગે કહ્યું છે.   હવામાન વિભાગે ગુજરાતમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.  


હવામાન વિભાગ દ્વારા પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે અકળામણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી  છે.  સૌરાષ્ટ્ર-કચ્છના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. 


આગામી પાંચ દિવસ વાતવરણ સૂકું રહેશે. 10 અને 11 એપ્રિલ પ્રિ મોન્સુન એકટીવીટીના પગલે અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  10 એપ્રિલે દાહોદ, છોટઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ,  મહીસાગર, નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે.  અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે  રાજકોટમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


 


કાળઝાળ ગરમીની સાથે હિટવેવનો અટેક


સમગ્ર દેશના વેધરની વાત કરીએ તો દેશમાં હવામાન બદલાવા લાગ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીને પાર થવા લાગ્યું છે. જો કે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના પણ છે. દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીએ દસ્તક આપી છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીએ લોકોને ત્રસ્ત બનાવી દીધા છે. ઘણા રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું છે.


હવામાન વિભાગે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને આસામ અને મેઘાલયના હિમાલયના વિસ્તારોમાં ભારે પવનને કારણે તોફાની વરસાદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે.નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ સમયગાળા દરમિયાન પવન પણ જોરદાર ફૂંકાશે. અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન, કેરળમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.