બોટાદ: સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે. બોટાદ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે.  બરવાળા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  અતિ ભારે પવન સાથે મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો.  ધૂળની ડમરીઓ ઉડી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો.  બરવાળા શહેરના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. બરવાળા પંથકમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. 


સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં વરસાદ


હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જામનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં જામકંડોરણમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે. 


રાજકોટ જિલ્લાના જામકંડોરણાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  જામકંડોરણાના ચરેલ, દડવી ગામે વરસાદ વરસ્યો છે. દડવી, કાના વડાળા,  ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. 


ચરેલ ગામે ભારે પવન સાથે  વરસાદ શરૂ થયો છે. ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. ચરેલ ગામે અંદાજિત 1.5  ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી થયું છે.  સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.  વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે.   8 થી 12 જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે.


સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, જાણો અંબાલાલ પટેલે શું કરી આાગાહી? 


ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 9થી 12 જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે  વરસાદ વરસશે. વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  


તારીખ 10 જૂન સુધીમાં ચોમાસુ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે.  મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  


અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.  વેલમાર્ક લો પ્રેશરના પગલે ગુજરાતમાં 22 જૂન સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.