કોરોના કાળમાં ખાનગી શાળાઓની માઠી દશા બેઠી છે. અમરેલી જિલ્લામાં 33 ખાનગી પ્રાથમિક શાળામાં આ વર્ષે ધોરણ 1માં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. ખાનગી સ્કૂલોની તગડી ફીના કારણે ખાનગી શાળાઓને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વાલીઓ પોતાના સંતાને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.
ધોરણ 2 થી 12ની શાળાઓમાં પણ કઈ આવી જ સ્થિતિ છે. ટૂંકમાં કહીએ તો કોરોનાએ સમગ્ર શિક્ષણક્ષેત્રનું ચિત્ર પલ્ટાવી નાખ્યું છે. અત્યારે વાલીઓ ખાનગી શાળાની જગ્યાએ સરકારી શાળા વધુ પસંદ કરી રહ્યા છે. એનું એકમાત્ર કારણ એ છે કે મોંઘવારી વચ્ચે વાલીઓને શાળાની ફી પરવડતી નથી. જેનું પરિણામ અમરેલી જિલ્લાની 33 ખાનગી પ્રાથમિક શાળામાં જોવા મળ્યું છે.
સરકારી શાળાના શિક્ષણક ઘરે જઈને આપે છે શિક્ષણ
કોરોના કાળમાં હજુ રાજ્યની પ્રાથમિક શાળાઓ નથી કરાઈ શરૂ. ત્યારે સ્કૂલ બંધ છતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે સરકારી શાળાના શિક્ષકો તકેદારી રાખી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ઘરે જઈ કરાવી રહ્યા છે અભ્યાસ. રાજકોટની રોણકી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના સ્થાને શિક્ષકો વિદ્યાર્થીના ઘરે જઈને કરાવી રહ્યા છે અભ્યાસ.
રોણકીની પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ફળિયા શિક્ષણ આપી રહ્યા છે. ગામની શાળામાં 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોએ જુદી- જુદી ટીમો બનાવી છે વિદ્યાર્થીઓના ઘરે જ અભ્યાસ કરાવી રહ્યા છે. એક તરફ ખાનગી શાળાઓ ઓનલાઈન શિક્ષણ આપી રહી હોવાથી વિદ્યાર્થીઓને નાછૂટકે મોંઘા ઈંસ્ટ્રુમેંટ ખરીદવા પડે છે.
બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના શિક્ષકો વાલીઓને એક પણ રૂપિયાનો ખર્ચો કરાવ્યા વગર ફળિયા શિક્ષણ આપી રહ્યા છે. આ ન માત્ર રોણકી પ્રાથમિક શાળામાં પરંતું રાજકોટ જિલ્લાની કુલ 133 સરકારી શાળાના શિક્ષકો આ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે ફળિયા શિક્ષણ શરૂ કરાયું છે તેની અસર તાજેતરમાં લેવાયેલી એકમ કસોટી પર જોવા મળી છે. એક તરફ ખાનગી શાળાઓ કોરોનાકાળમા ઓનલાઈન શિક્ષણ આપતી હોવા છતા ફી માટે વાલીઓને દબાણ કરી રહ્યા છે. બીજી તરફ સરકારી શાળાના શિક્ષકો ઘરે જઈ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.