બોટાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયમા મોટું નામ ગણાતા ગઢડા ગોપીનાથજી મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટરે તડીપાર કરવા માટે નોટિસ આપતાં ખળભળાટ મચ્યો છે. એસ.. પી. સ્વામીને બોટાદ ,ભાવનગર,રાજકોટ,અમરેલી,સુરેન્દ્રનગર, અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડીપાર કેમ ના કરવા તે અંગે જવાબ માંગવામાં આપ્યો છે.


નાયબ કલેક્ટરે  આપેલી નોટિસમાં એસ. પી. સ્વામીને બોટાદ ,ભાવનગર,રાજકોટ,અમરેલી,સુરેન્દ્રનગર, અમદાવાદ એમ 6 જિલ્લામાંથી  શા માટે તડીપાર ન કરવા તેનો જવાબ 25 માર્ચ સુધીમાં આપવા કહેવાયું છે. સ્વામી સામે લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ તેમજ 2007 રોડ વિવાદનું કારણ અપાયું છે. આ બંને મુદ્દાનો તડીપાર નોટિસમાં ઉલ્લેખ કરાયાનું એસ.પી.સ્વામીએ પોતે સ્વીકાર્યું છે.


આ ઉપરાંત હાઇકોર્ટમાં ગઢડા મંદિર મામલે ચાલતા કેસમાં ડી.વાય.એસ.પી રાજદીપસિંહ નકુમ દ્વારા કેસ પાછા ખેંચવા દબાણ કરવામાં આવતો હોવાનો એસ.પી.સ્વામી  આક્ષેપ મૂક્યો છે. એફ.આઈ.આર મામલે સી.બી.આઈ. તપાસ થાય તેવી એસ.પી.સ્વામીની માંગ છે. તડીપારની નોટિસ બાદ ગઢડા ગોપીનાથજી મંદિરના વાયરલ વિડીયો મામલે પણ એસ.પી.સ્વામી વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાનું એસ.પી.સ્વામીએ જણાવ્યું છે.