mother's name in educational documents: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક દસ્તાવેજોમાં વિદ્યાર્થીના પિતાના નામને બદલે માતાનું નામ ઉમેરવા અથવા દર્શાવવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ આ અંગેનો સુધારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે અને તાજેતરમાં ૨૦ માર્ચ, ૨૦૨૫ ના રોજ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે સૂચના પત્ર પાઠવી દેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ, હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના દસ્તાવેજોમાં પિતાના મૃત્યુ, છૂટાછેડા અથવા અન્ય સંજોગોમાં યોગ્ય પુરાવા રજૂ કરીને બાળકના પિતાના નામના બદલે માતાનું નામ લખાવી શકાશે. આ ઉપરાંત, માતાના પુનઃલગ્ન થયા હોય તેવા કિસ્સામાં પણ નવા પિતાની મંજૂરી સાથે માતાનું નામ લખી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ-૧૯૭૪ના વિનિયમ ક્રમાંક-૧૨(ક) માં નવી જોગવાઈઓ ઉમેરીને આ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ ૩ ઓગસ્ટ, ૨૦૨૨ ના પત્રથી આ અંગે સુધારાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ક્યા સંજોગોમાં અને ક્યા પુરાવા જરૂરી?

ઠરાવ મુજબ, શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામને બદલે માતાનું નામ લખવું હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટનો હુકમ, રાજપત્ર (ગેઝેટ)માં માતાનું નામ દાખલ થયાનો આધાર અને અનુષાંગિક પુરાવાઓ જેવા કે માતાનું આધારકાર્ડ, કાયમી ખાતા નંબર (PAN) કાર્ડ, જાતિ (caste) પ્રમાણપત્ર, બેંક પાસબુક વગેરે રજૂ કરવા પડશે. આ પુરાવા રજૂ કર્યેથી જિલ્લા શિક્ષણાધિકારી આવા સુધારાને મંજૂરી આપી શકશે.

જ્યારે બાળકના નામ પાછળ પિતાનું નામ હોય અને સંજોગોવસાત્ પિતા બદલાય (જેમ કે માતાના પુનઃલગ્ન) તેવા કિસ્સામાં પણ સિવિલ કોર્ટનો હુકમ, રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાનો આધાર અને અન્ય અનુષાંગિક પુરાવાઓ જરૂરી રહેશે. જો છૂટાછેડા થયા હોય તો છૂટાછેડા હુકમનામું (Divorce decree) અથવા ફારગતીલેખ, અને જો પિતાનું અવસાન થયું હોય તો મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. ખાસ કરીને, જો માતાએ પુનઃલગ્ન કરેલ હોય તો પુનઃલગ્નના પતિનું સંમતિ દર્શાવતું 'સોગંદનામું' પણ રજૂ કર્યેથી જિલ્લા શિક્ષણાધિકારી આ સુધારો કરી શકશે.

અનુષાંગિક આધાર-પુરાવા શું ગણાશે?

ઠરાવમાં અનુષાંગિક આધાર-પુરાવા તરીકે માન્ય ગણાતા દસ્તાવેજો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં અધિકૃત અધિકારી દ્વારા અપાયેલ અસલ જન્મ પ્રમાણપત્ર (જન્મ મરણ નોંધણી અધિનિયમ-૧૯૬૯ અને ગુજરાત જન્મ મરણ નોંધણી નિયમો-૨૦૧૮ મુજબ રજીસ્ટરમાં નોંધાયેલ), જન્મ રજીસ્ટરમાં થયેલ નોંધની પ્રમાણિત નકલનો સમાવેશ થાય છે. જો બાળક પુખ્ત વયનું ન હોય તેવા કિસ્સામાં પિતાના બદલે માતાનું નામ ઉમેરવું હોય તો પિતાની સંમતિ આપતું સોગંદનામું અથવા માતાનું નામ રાખવા માતાની સંમતિ દર્શાવતું સોગંદનામું અને સિવિલ કોર્ટના હુકમની પ્રમાણિત નકલો પણ ધ્યાનમાં લેવાશે.

પિતા બદલાય તેવા કિસ્સામાં દત્તક વિધાન માટે સક્ષમ સિવિલ કોર્ટનો હુકમ અનિવાર્ય બને છે, ખાસ કરીને જ્યારે બાળક આંગળિયાત તરીકે માતા સાથે જતું હોય. આવા સંજોગોમાં બાયોલોજીકલ પિતાની સંમતિ સોગંદનામા દ્વારા મેળવવી જરૂરી બને છે અને સક્ષમ સિવિલ કોર્ટના નિર્ણયની પ્રમાણિત નકલ અનિવાર્ય ગણાય છે. માતાના પુનઃલગ્નના કિસ્સામાં હિન્દુ એડોપ્શન્સ એન્ડ મેન્ટેનન્સ એક્ટ, ૧૯૫૬ ની કલમ-૯ ને ધ્યાનમાં રાખી દત્તક વિધાનની કાર્યવાહી થયેલી હોવી જોઈએ.