રાજકોટ: રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્રના ગોંડલ, કાલાવડ, જસદણ સહિતના વિસ્તારોમાં વરસાદથી પાકને નુકસાન થયું છે. મરચાં, ડુંગળી, ચણા, લસણ સહિતના પાકને નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં બટાટા, તુવેર, કપાસ, જીરું અને ઈસબગુલને ભારે નુકસાન થયું છે. જસદણ, ગોંડલ, જામકંડોરણામાં માવઠું પડતા ધઉં, જીરું, ચણા, લસણ, ડુંગળી જેવા શિયાળું પાકને વ્યાપક નુકસાન થયું છે.




રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં માવઠું પડતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. હોડથળી ગામમાં માત્ર 15 મીનિટના કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. રાજપીપળા, બાડપર, હરિપર, ઉમરાળી સહિતના ગામોના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.


પાટણમાં ગઈકાલે વરસેલા માવઠાને કારણે ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવનના કારણે એરંડાના ઉભા છોડ ભાંગી ગયા છે.શંખેશ્વર, રાધનપુર,સમી,હારીજ અને સાંતલપુર તાલુકામાં રવિ સિઝનના તમામ પાકોમાં 40થી 80 ટકા સુધીનું નુકસાન થયું છે.