Old Pension Scheme: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર શિક્ષણમંત્રીએ પ્રથમવાર નિવેદન આપ્યું છે. શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે નામ લીધા સિવાય કહ્યું હતું કે નિર્ણય થશે, ચિંતા ન કરતા. તેમણે 2005 પહેલાના કર્મચારીઓના ઓલ્ડ પેન્શન અંગે નિવેદન આપ્યું હતું. ડિંડોરે કહ્યું હતું કે ઓલ્ડ પેન્શન મુદ્દે મોદી સરકાર સારો નિર્ણય કરશે. OPS માત્ર શિક્ષણ નહીં 26 વિભાગોનો પ્રશ્ન છે.
છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સરકારી કર્મચારીઓ કરતા રહ્યા છે. અને ખાસ કરીને શિક્ષકો આ મુદ્દાને વારંવાર ઉઠાવતા પણ રહ્યા છે. ત્યારે 2005 પહેલા નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને ઓપીએસ લાગુ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરોક્ષ રીતે સકારાત્મક સંકેત આપ્યા હતા.
ઈશારા ઈશારામાં તેમણે કહ્યું હતું કે આ મુદ્દાનો ઉકેલ મોદી સરકાર જરૂરથી લાવશે. ઓલ્ડ પેન્શન યોજના મુદ્દે આંદોલન કરનાર પ્રાથમિક શિક્ષક સંઘના સાબરકાંઠાના કાર્યક્રમમાં કુબેર ડિંડોરે કહ્યું હતું કે આ મુદ્દો માત્ર શિક્ષકોનો જ નહીં પરંતુ 26 વિભાગના સરકારી કર્મચારીઓનો છે. એ હકીકત છે કે કુબેરભાઈ ડિંડોરે જૂની પેન્શન યોજના શબ્દનો ઉપયોગ નહોતો કર્યો પરંતુ જે વાત સાથે તેમને જોડી તેનાથી શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓએ એક આશા જાગી છે.
બીજી તરફ શિક્ષણ વિભાગના અણઘડ વહીવટની વધુ એક ઘટના બની હતી.પહેલાના શિક્ષકોના પગાર બાકી છતાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પહેલા તબક્કાના શિક્ષકોને બે મહિનાનો પગાર ચૂકવાયો નથી. પહેલાના શિક્ષકોને પગાર નથી ચૂકવાયો ત્યાં ભરતી બહાર પાડવામાં આવી છે. જ્ઞાન સહાયકના શિક્ષકોને પગાર ચૂકવાયો નથી.
જૂની પેન્શન યોજના (OPS) એક પેન્શન યોજના છે, જે હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો. આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી હતી. આ યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી.
રાજસ્થાને એપ્રિલ 2022માં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરી હતી. ત્યારબાદ છત્તીસગઢે ડિસેમ્બર 2022માં, ઝારખંડ, પંજાબે ઓક્ટોબર 2022માં અને હિમાચલ પ્રદેશને 17 એપ્રિલ, 2023ના રોજ આ યોજનાની સૂચના આપી.