છોટાઉદેપુરમાં પીકઅપ વાનમાં વિદ્યાર્થિનીઓની છેડતી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે અશ્વિન ભીલ અને અર્જુન ભીલની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરાઇ રહી છે


છોટાઉદેપુરનું કોસીન્દ્રામાં મંગળવારના રોજ સ્કૂલમાંથી ઘરે પરત આવતી વખતે પીકઅપ વાનમાં જતી વિદ્યાર્થિનીઓની છેડતી થઇ હતી. વિદ્યાર્થીનીઓએ પીકઅપ વાનમાંથી કૂદીને પોતાને બચાવી હતી.  પીક અપ વાનના ડ્રાઈવર અશ્વિન ભીલ બાદ બુધવારના સાંજના સંખેડા તાલુકાના વાસણા ગામના અર્જુન ભીલની પણ ધરપકડ કરાઇ હતી. પોલીસે માહિતીના આધારે અર્જુન ભીલની ભાવનગરના સિહોરથી ધરપકડ કરી હતી. હજુ આ કેસમાં પરેશ ભીલ, સુરેશ ભીલ, સુનિલ ભીલ અને શૈલેષ ભીલ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે.


આ તરફ છોટાઉદેપુરની ઘટના બાદ પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ એકશનમાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ CRC, BRCને જિલ્લાની તમામ શાળાએ પહોંચી ટ્રાન્સપોર્ટેશન સુવિધાનું મોનિટરીંગ કરવાના આદેશ કર્યા છે. શાળા શરૂ થવા અને છૂટવાના સમયે સ્કૂલો બહાર મોનિટરિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં બાળકોની ઓનલાઈન હાજરી પૂરવામાં ન આવે તેવા વાહન માલિકને પેમેન્ટ ન કરવા પણ આદેશ કર્યા છે. તો જિલ્લા શિક્ષણ વિભાગે એસટી વિભાગ સાથે ટૂંક સમયમાં બેઠક કરશે અને જ્યાં એસટીની સુવિધા ન હોય ત્યાં સુવિધા શરૂ કરવાની દિશામાં પ્રયાસ હાથ ધરાશે.


નોંધનીય છે કે છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવતા તેમણે ચાલુ જીપમાંથી છલાંગ લગાવી હતી.  જીપમાંથી છલાંગ મારતા બે બાળકીઓને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. વધુ ઈજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જીપમાંથી કૂદીને છલાંગ લગાવનારી વિદ્યાર્થિનીઓ ઘાયલ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેડતીની આ ઘટાનાને લઈ વાલીઓમાં પણ રોષ વ્યાપી ગયો હતો.