PM Modi Gujarat Visit: ગુજરાતના પ્રવાસે આવેલા આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજો રોડ શો યોજ્યો છે. અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે 11મા ખેલ મહાકુંભના શુભારંભ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને સરદાર પટેલ સ્ટેડિયમ પર પહોંચશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન આ ત્રીજો રોડ શો કર્યો છે. આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રુપે પીએમ મોદી સતત લોકો વચ્ચે જઈને ભાજપના 4 રાજ્યોમાં મળેલા વિજયનો સંદેશ પણ આપી રહ્યા છે.


PMના ત્રીજા રોડ શોનો રુટઃ
પ્રધાનમંત્રીના આજના આ ત્રીજા રોડ શોનો રુટ જોઈએ તો, સાંજે 4.30 વાગ્યે આ રોડ શો શરુ થયો હતો. પીએમ મોદીએ ગાંધીનગરના રાજભવનથી આ રોડ શોની શરુઆત કરી હતી અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થશે. આ રોડ શોના રુટમાં ઈન્દિરા બ્રીજ, એરપોર્ટ સર્કલ, શાહીબાગ ડફનાળા, વાડજ સર્કલ, ઉસ્માનપુરા, સરદાર પટેલ સ્ટેચ્યુ થઈને સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચશે. આ રોડ શો દરમ્યાન પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલશે. આ રોડશોમાં અમદાવાદ શહેરના ભાજપ નેતાઓ, ભાજપ કાર્યકરો, શહેરના નાગરીકો ઉપસ્થિત રહેશે. ભાજપના કાર્યકરોમાં રોડ શોના આયોજનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


11મા ખેલ મહાકુંભનો શુભારંભઃ
સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સાંજે 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. આ ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં રાજ્યના વિવિધ 1100થી વધુ કલાકારો પરફોર્મ કરશે. આ કલાકારોમાં ગુજરાતના ખ્યાતમના કલાકારો પણ પોતાનું પરફોર્મન્સ રજુ કરશે.


આજે PM નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. ત્યાં પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.


દીક્ષાંત સમારોહમાં પીએમે મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જ્યારે ન્યાય પ્રણાલી સમયસર સજા આપી શકે છે, ત્યારે ગુનેગારોમાં ડર હોય છે. આઝાદી પછી આપણા દેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે કામ થવું જોઈતું હતું, પરંતુ કમનસીબે આપણે પાછળ રહી ગયા. આજે પણ સામાન્ય લોકો પોલીસથી દૂર રહેવા માંગે છે. આપણા દેશમાં સુરક્ષાના ક્ષેત્રમાં એવા લોકોને લાવવાની જરૂર છે, જેથી સામાન્ય માણસના મનમાં મિત્રતા અને વિશ્વાસની લાગણી અનુભવી શકે.