ભાવનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે અનેક વિકાસલક્ષી કાર્યો શરૂ થઈ રહ્યાં છે. તેમાં ભાવનગર જિલ્લા માટે પાણી પ્રશ્ને જીવાદોરી સમાન શેત્રૂંજી ડેમને સૌની યોજના હેઠળ આવરી લેવાયો છે અને તેને નર્મદાના નીરથી ભરવામાં આવશે. 5 માર્ચના રોજ પાલિતાણા શેત્રુંજી ડેમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગુજરાત સરકારના મંત્રીઓની હાજરીમાં આ ડેમને ભરીને તેનું લોકાર્પણ કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.



પાલિતાણાનો શેત્રુંજી ડેમ સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીના સંગ્રહ માટે મોટો ડેમ છે. આ અગાઉ રાજકોટના ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવામાં આવ્યાં છે અને હવે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે જિલ્લાભરની મોટી સભાનું આયોજન થઇ રહ્યું છે.



આ અંગે મળેલી માહિતી મુજબ 20 ફેબ્રુઆરીને બુધવારે આ ડેમને ભરવા માટે પાણી નાંખવાનો આરંભ કરવામાં આવશે. સંભવિત કાર્યક્રમના લીધે જિલ્લા કલેક્ટર, ડી.એસ.પી., જિલ્લા વિકાસ અધિકારી વગેરે ઉચ્ચ અધિકારીઓનો કાફલો નિરીક્ષણ માટે આવ્યો હતો અને આયોજન માટે પ્રથમ તબક્કાની ચર્ચા વિચારણા કરી હતી.