ચાણસ્માઃ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાને લઇને સમગ્ર દેશમાં આક્રોશ છે. તમામ લોકો પાકિસ્તાન સાથે બદલો લેવાની સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. ગુજરાતમાં પણ તમામ ગામ, શહેરમાં લોકો શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજી રહ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકો, મહિલાઓથી માંડી તમામ લોકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. કેન્ડલ માર્ચમાં ‘ભારત માતા કી જય’, ‘શહીદ જવાનો અમર રહો’ના નારા ગુંજી ઉઠ્યા હતા. તમામ લોકોએ બે મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નોંધનીય છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. સમગ્ર દેશમાંથી શહીદ જવાનોના પરિવારજનોને મદદનો ધોધ વહી રહ્યો છે.