ગાંધીનગર: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા આજે 'વન ડે વન ડિસ્ટ્રિક્રટ' કાર્યક્રમની જાહેરાત કરવામા આવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું  કે, ભાજપ આગામી દિવસોમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી જે તે જિલ્લાની મુલાકાત લેશે અને એક દિવસ સુધી એટલે કે 24 કલાક સમય જે તે જિલ્લામાં ફાળવશે અને લોકો અને  કાર્યકર્તાઓને સાંભળશે. જે તે જિલ્લાની મુલાકાત લઈ 24 કલાક ત્યાં રોકાણ કરી લોકો અને ભાજપના કાર્યકર્તાઓની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.


કાર્યકર્તાઓની ફરિયાદ હશે તો તેને પણ અલગથી સાંભળવામા આવશે. જે તે જિલ્લામાં સામાન્ય લોકો, પાર્ટીના કાર્યકર્તાઓ, સંઘના આગેવાનો, ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરવામા આવશે. 


'કોંગ્રેસ પેજ કમિટી કેવી રીતે બનાવાય તેની તપાસ કરી રહી છે, તેના માટે કાર્યકરો જોઇએ પણ ત્યાં તો બધા નેતા જ છે'


ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જામનગર સ્નેહ મિલનમાં કોંગ્રેસ પણ પેજ કમિટી બનાવવા માટે કવાયત કરી રહી હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પેજ કમિટીને આધારે આપણે અનેક ઇલેક્શન જીત્યા છીએ. પેજ કમિટીની તાકાતાનો પરચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખબર છે, પણ કોંગ્રેસને પણ ખબર પડી ગઈ છે. એ પણ પેજ કમિટી કેવી રીતે બનાવાય એની તપાસ કરી રહી છે, પણ ફક્ત પેજ પ્રમુખ કે પેજ કમિટી બનાવાવી હોય ને તો કાર્યકર્તા જોઇએ. ત્યાં તો બધા નેતા જ છે. એબી એક, બે ને તીન. એમાં કોઈ પેજ કમિટી ના બને. પેજ કમિટીનો કાર્યકર્તા પ્રામાણિકતાથી પાર્ટીનું કામ કરે એવો હોવો જોઇએ. ત્યાં તો પ્રામાણિકતાનો જ અભાવ છે. કાર્યકર્તાનો જ અભાવ છે. 



 


તેમણે કહ્યું કે, એક ટાઇમ એવો હતો કે આપણે બે જ હતા. કોંગ્રેસ આપણી પર હસતી હતી કે સંસદમાં બે જ લોકો છે. ભારતીય જનતા પાર્ટી એ હવે સાયકલ પર આવી ગઈ છે. આજે બે વખત નરેન્દ્ર મોદીએ સાહેબે કેન્દ્રમાં સરકાર બનાવી. આ કોંગ્રેસ પાર્ટીને બસમાં બેસાડી દીધી છે અને બસના ટાયર પણ પંચર થઈ ગયા છે.