Road Accident: ધ્રાંગધ્રાની સિસૂકુંજ સ્કૂલ પાસે રાતે અકસ્માત સર્જાયો હતો.રીક્ષા ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો જેમાં અકસ્માત રીક્ષા ચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે ઓટો રીક્ષામાં સવાર અન્ય 4 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. હાઈવે પર થયેલા અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. 108ની મદદથી મૃતદેહને હોસ્પિટલે ખસેડાયો હતો.
અમદાવાદમાં બહેન સાથેના પ્રેમ સંબંધની શંકાએ ભાઈએ તલવારથી યુવકનું ગળું કાપ્યું
અમદાવાદ: શહેરમાં પ્રેમ સંબંધને લઈને હુમલાની ઘટના સામે આવી છે. પિતરાઇ બહેન સાથે પ્રેમ સંબંધની શંકામાં ભાઈએ પડોશી યુવકનું તલવારથી ગળું કાપ્યું છે. મળતી માહિતી પ્રમાણે બે વર્ષ પહેલા યુવકનો આરોપીઓની પિતરાઇ બહેન સાથે પ્રેમસંબંધ હતો . આરોપીએ યુવકને ગળાના પાછળ અને ડાબા ભાગે તલવારના ઘા માર્યા છે. જો કે, હુમલા બાદ લોકો ભેગા થઇ જતા બંને આરોપી નાસી છૂટયા હતા. હાલમાં યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર મામલાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ઘટનાની આગળ તપાસ શરૂ કરી છે.
દીકરીની છેડતી કરનારને ઠપકો આપવા ગયેલા પિતાની હત્યા
અમદાવાદ: શહેરના માધુપુરામાં હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પરિણીતાની છેડતી કરનારને ઠપકો આપવા જતાં પિતાની હત્યા કરવામાં આવી છે. 25 વર્ષીય પરિણીતા દીકરાને લઈને બહાર જતી હતી તે સમયે વૈભવ ઠાકોર નામના શખ્સે તેમની છેડતી કરી હતી. જે બાદ પરિણીતાએ પિતા- ભાઈ અને બહેનને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ તેઓ વૈભવ ઠાકોરને ઠપકો આપવા ગયા હતા. જો કે, આરોપી લાજવાને બદલે ગાજ્યો હતો અને ઘરમાંથી ચપ્પુ લઇને આવ્યો અને પરિણીતાના પિતા અને પુત્ર પર ચપ્પુથી હુમલો કરી દીધો. બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પરિણીતાના પિતાને ફરજ પર હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રથમ તો મહિલાની છેડતી બાદમાં તેમના જ પિતાની હત્યા. આરોપીને પોલીસનો કે કાયદાનો ડરના હોય તેમ લાગી રહ્યું છે.
આણંદ: ડમ્પરે બાઈકને ટક્કર મારતા માસુમ બાળકની સામે જ માતા-પિતાએ જીવ ગુમાવ્યો
આણંદ: લીમડાપુરા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ગોજારા અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બાળકનો આબાદ બચાવ થયો છે. બાળકે માતા પિતા ગુમાવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં બંન્ને મૃતકોને પોસ્ટમાર્ટમ માટે ખાસેડાયા છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.