ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  જોકે 21 અને 22 જૂનના દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હાલ કોઈ વરસાદની શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. 


હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.


આસામમાં પૂરના કારણે સ્થિતિ ભયાનક, 32 જિલ્લામાં 31 લાખ લોકો પ્રભાવિત, 25નાં મોત


આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ચિંતાજનક બની છે. પૂરના કારણે ચાર બાળકો સહિત વધુ આઠ લોકોના મોત થયા છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. બીજી તરફ અન્ય આઠ લોકો ગુમ છે. ચાર લોકો હોજાઈ જિલ્લામાંથી ગુમ છે જ્યારે અન્ય ચાર બજલી, કાર્બી આંગલોંગ વેસ્ટ, કોકરાઝાર અને તામુલપુર જિલ્લામાંથી ગુમ થયા છે.  


બીજી તરફ રાજ્યના 32 જિલ્લાઓમાં લગભગ 31 લાખ લોકો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના પૂરના પાણી 4,291 ગામોમાં પ્રવેશ્યા છે અને 66455.82 હેક્ટરમાં પાક પાણીમાં ડૂબી ગયો છે.  


બારપેટામાં જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે અહીંના ગ્રામીણો તેમના ઘરોમાં કિંમતી સામાન હોવાનું કહીને તેમના ઘર છોડવા તૈયાર ન હતા, પરંતુ અમે કોઈક રીતે તેમને તેમના ઘર ખાલી કરવા સમજાવવામાં સફળ થયા અને હવે અમે તેમને રાહત શિબિરોમાં લઈ જવા માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ.