સુરેન્દ્રનગરઃ કોરોનાગ્રસ્ત શહેરોમાંથી વતન આવી રહેલા લોકોને કારણે હવે અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થોડા દિવસથી કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, સાયલા, વઢવાણ, ચૂડા અને ધ્રાંગધ્રા તાલુકામાં કોરોનાના કેસો આવી ચૂક્યા છે. ત્યારે હવે ધ્રાંગધ્રા તાલુકાની મુશ્કેલી વધી છે. કારણ કે, હવે ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારમાં કોરોનાનો કેસ નોંધાયો છે.

મળતી વિગતો પ્રમાણે ધ્રાંગધ્રા શહેરમાં રહેતા અને મગફળીનું વેચાણ કરતા ૬૩ વર્ષના વૃઘ્ધને કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી બહારગામની હોવાનું અનુમાન છે.



ગઈ કાલે ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રા, કોંઢ અને જેગડવામાં એક-એક કોરોના કેસ આવ્યા હતા. આમ, ધ્રાંગધ્રા તાલુકામાં કોરોના કુલ ચાર કેસ નોંધાયા છે. તેમજ કોરોના દર્દીઓની કુલ સંખ્યા 31એ પહોંચી છે. જોકે, ગઈ કાલે પાંચ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ સિવાય રાણપુર તાલુકાના નાગનેશ ગામની મહિલાનું કોરોના વાયરસથી સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મહિલાને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ કોરોનાથી મોતની પુષ્ટી કરી છે.