Rain Update: બોટાદમાં બારેમેઘ ખાંગા થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ ગઈ હતી. લાઠીદડ પાસે ભયંકર વહેણમાં ઇકો કાર ફસાઈ ગઈ  હતી.  જિલ્લા વહીવટી તંત્રની ત્વરિત કાર્યવાહીથી 2 લોકોના જીવ બચાવાયા હતા.. જ્યારે 1 મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં આજે  વધુ એકનો મૃતદેહ મળ્યો છે. વહેલી સવારે નીતા ચૌહાણ નામની મહિલાનો મૃતદેહ મળ્યો છે. સાગાવદર ગામ પાસે ઈકો કાર તણાઈ હતી.ગઈકાલે બે લોકોના મૃતદેહ મળ્યાં હતા.  ઈકો કારમાં કુલ નવ લોકો સવાર હતા. કારીયાણી ગામના તળાવમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. હજુ પણ 3 લોકો લાપતા હોવાના અહેવાલ છે.,

બરવાળા તાલુકામાં સતત ધોધમાર વરસાદ થતા ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણી પુલ પર ફરી વળતા વાહનવ્યવહારને અસર થઇ છે. ધંધુકા તરફ જવાનો એક તરફનો પુલ બંધ કરાયો છે. પુલ પર એક તરફથી જ તમામ વાહનોની અવરજવર થઇ રહી છે. ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા છે. ભારે વરસાદથી ડેમમાં સતત નીરની આવક થઇ રહી છે. ડેમના 4 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી ઉતાવળી નદીમાં છોડાતા આસપાસના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે .

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં સામાન્ય તો  કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે  11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.

કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ?              

  • પોરબંદર
  • જૂનાગઢ
  • અમરેલી
  • ભાવનગર
  • ગીર સોમનાથ
  • અરવલ્લી
  • મહીસાગર
  • દાહોદ
  • નવસારી
  • ડાંગ
  • વલસાડ
  • દીવ
  • દમણ
  • દાદરાનગર હવેલી
  •  

કયા જિલ્લામાં યલો એલર્ટ ? 

  • રાજકોટ
  • બોટાદ
  • સુરેન્દ્રનગર
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • સાબરકાંઠા
  • ખેડા
  • આણંદ
  • વડોદરા
  • પંચમહાલ
  • છોટા ઉદેપુર
  • ભરૂચ
  • નર્મદા
  • સુરત
  • તાપી

18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,  ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.