અમદાવાદ: રાજ્યમાં માર્ચ મહિનાથી આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આજે સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને પોરબંદર એમ 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં 12 માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ તાપમાન નીચે જાય તેવી સંભાવનાઓ છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીની સ્થિતિને લઇને આગામી દિવસનું આંકલન કરતાં આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ રાજ્યમાં હજુ તાપથી ચાર દિવસ રાહત નહીં મળે. મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. 15 માર્ચ બાદ ગરમીમાં ઘટાડાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 34થી 36 ડિગ્રી રહેવાની શક્યતા છે. હોળીના દિવસોમાં કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા છે. હોળીએ પવનની ગતિ 20 કિમી કલાકની રહેવાની શક્યતા છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 40 કિમી કલાકની રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે શું કરી આગાહી ?
ઉનાળાની શરૂઆત થતાંની સાથે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં 42 તો સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રીએ પારો પહોંચવાની શક્યતા છે. હજુ બે દિવસ આકરી ગરમીથી રાહતની કોઈ શક્યતા નથી. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આકરા તાપના કારણે અગનભઠ્ઠીમાં રાજ્યના મોટાભાગના જિલ્લા ફેરવાયા છે. અમદાવાદ, સુરત સહિત 9 જિલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કાલે રાજ્યના કેટલાક જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. ગાંધીનગરમાં પણ આકરા તાપની હવામાન વિભાગની આગાહી છે.
અંગ દઝાડતી ગરમીને લઈ સોમવારે રાજ્યના 17 શહેરમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર થઇ ગયો હતો. 45.5 ડિગ્રીના ટોર્ચરમાં દાહોદ પણ શેકાયું છે. ભુજમાં મહતમ તાપમાન 42 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી નોંધાયું છે.
એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં સામાન્ય કરતા 6.4 ડિગ્રી વધુ તાપમાન રહેશે, વર્ષ 2024ની તુલનામાં કાળઝાળ ગરમી 16 દિવસ વહેલી શરૂ થઇ ગઇ છે. છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર રહ્યો છે.
આકરા તાપ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા નવ દિવસમાં અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલટીના નવા 153 અને ટાઈફોઈડના નવા 115 કેસ.. બહેરામપુરા અને લાંભા વિસ્તારમાં સૌથી વધારે ટાઈફોઈડના કેસ નોંધાયા છે.
ઉત્તર ભારતમાં હોળી સુધી શિયાળાની અસર ધીમે ધીમે ઓછી થશે. દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશને કારણે તમે ગરમ અનુભવશો. જોકે, 14 માર્ચ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાદળોની અવરજવર શરૂ થઈ જશે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, હરિયાણા-પંજાબ અને રાજસ્થાનમાં હોળીના દિવસે વરસાદ રંગોની મજા બગાડી શકે છે. પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર વરસાદ અને હિમવર્ષા થશે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.