રવિવારે રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદથી રાજ્યના મોટા 207 જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં મોટા 207 જળાશયોમાંથી પાંચ જળાશયો સંપૂર્ણ ક્ષમતા સાથે ભરાયા છે. તો હાલ રાજ્યના 207 જળાશયોમાં 44.41 ટકા પાણીનો જથ્થો છે.


સરદાર સરોવર ડેમમાં હાલ 46.08 ટકા પાણીનો જથ્થો છે. તો ઉત્તર ગુજરાતના 15 મોટા જળાશયોમાં 23.17 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 39.22 ટકા પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 મોટા જળાશયોમાં 50.87 ટકા પાણીનો જથ્થો છે.


કચ્છના 20 જળાશયોમાં 24.43 ટકા પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 141 પૈકી પાંચ જળાશયો સંપૂર્ણ ભરેલા છે. જ્યારે 141 જળાશયોમાં 39.84 ટકા પાણીનો જથ્થો છે.


રાજકોટના ડેમ ઓવરફ્લો


રાજકોટ જિલ્લામાં ગઈકાલે પડેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજકોટ જિલ્લાના 26 જળાશયોની જળસપાટીમાં વધારો થયો છે. જ્યારે રાજકોટ જિલ્લાના આજી-2,મોતીસર અને વેણુ-2 ડેમની જળસપાટીમાં વધારો થયો છે.


રાજકોટના જળાશયોમાં વરસાદ પહેલા સરેરાશ પાણીનો જથ્થો 24 ટકા હતો. વરસાદ બાદ તમામ જળાશયોનો સરેરાશ પાણીનો જથ્થો 36 ટકા થયો.એટલે વરસાદ પડતા જળાશયોમાં સરેરાશ 12 ટકા જેટલું નવું પાણી આવ્યું. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.


રાજકોટ જિલ્લાના જો મોટા ડેમ ની વાત કરવામાં આવે તો ભાદર 2 ડેમમાં કુલ સપાટી 51.38 ફૂટ છે. હાલની સ્થિતિ 25.10 ફૂટ થઈ છે. ભાદર 1ની કુલ સપાટી 35.43 ફૂટ છે.હાલની સ્થિતિ 34 ફૂટ જેમાં નવી આવક 0.49 ફૂટ થઈ છે. મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે. નવી આવક 11.91 ફૂટ થઈ છે. ન્યારી 2 ડેમમાં કુલ સપાટી 34.45 ફૂટ છે. હાલની સ્થિતિ 20.70ફૂટ છે અને નવી આવક 3.28 ફૂટ થઈ છે.


વરસાદ આગાહી


રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘ મહેર 4 દિવસ યથાવત રહેશે. આગામી 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજે અને આવતીકાલે ડાંગ તાપી નર્મદા નવસારી દીવ દમણ દાદરાનગર હવેલી ,ગીર સોમનાથ જામનગર પોરબંદર ગીર સોમનાથ ભાવનગર સહીત હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 29 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. જેને કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બુધવારથી રાજ્યમાં વરસાદ નું જોર ઘટશે