સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામા લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 30થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. શહેરના પુનિત નગરના જોરાસર વિસ્તારમાં લગ્ન સમારોહમાં ભોજન લીધા બાદ 30થી વધુ લોકોને એકાએક ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. જેમાંથી 20 લોકોને સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ખસેડાયા હતા તો આઠ લોકોને સારવાર માટે હળવદની હોસ્પિટલ ખસેડાયા છે. આ સાથે જ બે બાળકોની તબિયત વધારે લથડતા તાત્કાલિક સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. ઘટનાને પગલે આરોગ્ય વિભાગે પણ તપાસ શરૂ કરી હતી.




ધાંગધ્રા શહેરના જોરાસર  વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. 20 લોકોને  ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે બાળકને વધુ તબિયત બગડતા તાત્કાલિક સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. 20 બાળકો અને 9 વ્યક્તિ હાલ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ અને ટીમ દ્વારા તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને નગરપાલિકાની બે એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવાની સૂચનાઓ આપી હતી.                   


ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ બનાસકાંઠામાંથીફૂડ પૉઇઝનિંગનો કેસ નોંધાયો હતો. જિલ્લાની પાલનપુર સિવિલ હૉસ્પીટલમાં અચાનક ફૂડ પૉઇઝનિંગની ઘટના બનતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.  બનાસકાંઠાની પાલનપુર  સિવિલ હૉસ્પિટલની નર્સિંગ કૉલેજમાં 12 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પૉઇઝનિંગ થયુ છે. કહેવાઇ રહ્યું છે કે, હલકી ગુણવત્તા વાળું ભોજન પીરસાતુ હોવાના કારણે વિદ્યાર્થિની ફૂડ પૉઇઝનિંગનો શિકાર બની છે. આ ઘટના બાદ સરકારી નર્સિંગ હૉસ્ટેલમાંથી ભોજનના કૉન્ટ્રાક્ટને રદ્દ કરવામાં આવ્યો છે. 12 જેટલી વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની અસર થતાં તંત્રમાં પણ ચિંતા પેઠી છે. એકબાજુ કૉન્ટ્રાક્ટને રદ્દ કરાયો છે તો બીજીબાજુ વિદ્યાર્થિનીઓને ભોજન લેવા માટે હવે બહારની કેન્ટિંગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. સિવિલ સર્જન સહિતના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે હૉસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને ભોજન માટે ભારે મુશ્કલી પડી રહી છે.