મ્યુકરમાઇકોસિસ: કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ મ્યુકરમાઇકોસિસનો કેર યથાવત છે. મ્યુકરમાઇકોસિસના કારણે મોતની સંખ્યા 500ને પાર પહોંચી છે. નવા કેસ ઘટયાં પરંતુ 120 દર્દીઓએ દમ તોડ્યો.


બીજી લહેરમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. તેના પરથી કહી શકાય કે સેકેન્ડ વેવ અંતના આરે છે પરંતુ કોવિડથી સાજા થયેલા દર્દીમાં મ્યુકોરમાઇકોસિસની સમસ્યાએ ચિંતા વધારી છે. તેનાથી થયેલા મોતની સંખ્યા પણ નાની નથી. માત્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં મ્યુકોરમાઇસિસના 35 દિવસમાં 506 કેસ નોંધાયા છે. ભારત સરકારના ડેશબોર્ડ પર આરોગ્ય વિભાગે અપલોડ કરેલી માહિતી મુજબ છેલ્લા 10 દિવસમાં રાજયમાં બ્લેક ફંગસના કેસમાં ઘટાડો થયો છે પરંતુ આ સમયગાળામાં 120 લોકોએ બ્લેક ફંગસના કારણે જીવ ગુમાવ્યો છે.


ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં બ્લેક ફંગસના કારણે 120 લોકોના મૃત્યુ થયા છે. ઉલ્લેખનિય છે કે 22 એપ્રિલે સરકારે બ્લેક ફંગસને રોગચાળો જાહેર કર્યો છે. ઉલ્લેખનિય છે કે 18 જૂન સુધીમાં  રાજ્યમાં 6,009 કેસ નોંધાયા છે. 18 જૂન બાદ દસ દિવસમાં 336 નવા કેસ નોંધાયા છે. આ રીતે બ્લેકફંગસના દર્દીઓની સંખ્યા 6,345 થઇ ગઇ છે.


ક્યાં રાજ્યોમાં બ્લેકફંગસના વધુ કેસ નોંધાયા


કોવિડથી સાજા થયેલા દર્દીમાં બ્લેકફંગસની બીમારી મોટા પ્રમાણમાં જોવા મળી. સેકેન્ડ વેવમાં મોતના તાંડવ બાદ બ્લેક ફંગસે પણ ચિંતા વધારી છે. દેશના પાંચ રાજ્યોમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ જોવા મળ્યાં હતા. જમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુમાં વધુ જોવા મળ્યાં હતા. મહારાષ્ટ્રમાં હાલ 4 હજારથી વધુ એક્ટિવ કેસ છે તો ગુજરાતમાં હાલ 3,943 બ્લેક ફંગસના દર્દીઓ સારવાર હેઠળ છે. તો કર્ણાટક સારવાર હેઠળ 2,427 દર્દીઓ છે. તમિલનાડુમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 240 લોકોના મોત થયા છે તો હજું અહીં 2,650 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 506 લોકોના મોત થયા છે. ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલગાણા, દિલ્લી, 2 હજારથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. મઘ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એક હજારથી વધુ લોકો સારવાર હેઠળ છે.