Onion Export Ban: ડુંગળી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આપી છે. તેમના કહેવા અનુસાર સરકારના ચાવવાના અને બતાવવાના દાત અલગ છે. એક બાજુ સરકાર 2022 માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા સરકારે નિકાસબંધી કરી દીધી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી દીધી હતી.


જ્યારે તુવેરના ભાવ સારા મળતા હતા ત્યારે મ્યાનમારથી તુવેર આયાત કરી હતી. ગયા વર્ષે ઘઉંના ભાવ સારા મળતા થયા સરકારે પોતાના ગોડાઉનમાં રહેલા ઘઉં માર્કેટમાં મુક્યા હતા. વર્ષ 2021-22 માં કઠોળના ભાવ સારા મળતા થયા સરકારે 1.5 લાખ મેટ્રિક તન કઠોળની આયાત કરી હતી. વર્ષ 2020-21 માં જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ સરકારે 5 લાખ મેટ્રિક ટન આયાત કરેલી ડુંગળી માર્કેટમાં મૂકી હતી.


આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી.


ભારત સરકાર દ્વાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે. જેના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ડુંગળીના ભાવ ન મળતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડના ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો હતો.


ખેડૂતો દ્વારા રસ્તા પર ચક્કા જામ કરતાં ગોંડલ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે પર ચારે બાજુ રસ્તા પર ડુંગળીને ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.


હાલમાં બજારમાં ખરીફ સિઝનની ડુંગળી આવી રહી છે. તેની ગુણવત્તા રવિ સિઝનની ડુંગળી કરતા હલકી ગુણવત્તાની છે. તેનું સ્વજીવન પણ ઓછું હોય છે. તેથી સરકાર ખરીફ સિઝનની ડુંગળી ખરીદતી નથી. પરંતુ ડુંગળીના ખેડૂતોના વિરોધને જોતા કેન્દ્ર સરકારે તેના બફર સ્ટોક માટે લગભગ બે લાખ ટન ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરી છે. જેમાં નાફેડ દ્વારા એક લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે અને એનસીસીએફ દ્વારા એક લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે.