Surendranagar: સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને 50 હજાર રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ રંગેહાથ ઝડપ્યો હતો. મળતી જાણકારી અનુસાર લખતર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સરદારસિંહ પરમાર 50 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.
વાસ્તવમાં કોન્સ્ટેબલ સરદારસિંહ પરમારે પ્રોહિબિશનના એક ગુનામાં ફરિયાદીનું નામ ન લખવાના બદલામાં દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે બંન્ને વચ્ચે રકઝક બાદ અંતે 60 હજાર રૂપિયામાં કોન્સ્ટેબલ સરદારસિંહ માન્યો હતો. ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. વાસ્તવમાં ફરિયાદીના મિત્રને ત્યાં લખતર પોલીસે દારૂની માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. આ સમયે ફરિયાદીનો મિત્ર સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.
જેના આધારે મોરબી એસીબીએ લખતર પોલીસ સ્ટેશનમાં ટ્રેપ કરી 50 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલ સરદાર સિંહ પરમારને ઝડપી પાડ્યો હતો. એસીબીની આ કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એસીબી ટીમે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં એસીબીએ સપાટો બોલાવ્યો હતો. રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં પાલિકા અધિકારી સહિત પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટને રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચિયો અધિકારી તેજસ પ્રકાશચંદ્ર આરિવાળા પાલિકાની મુખ્ય કચેરીનો ચીફ એકાઉન્ટન્ટ છે, જ્યારે કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ભીખુભાઇ પટેલની ધરપકડ કરાઈ છે.
સિક્યોરિટી પેટે ડિપોઝીટ કરેલા રૂપિયા પરત મેળવવા ઇજારદાર દ્વારા અરજી કરાઈ હતી. જે રૂપિયા પરત કરવાના અવેજ પેટે ઇજારદાર પાસેથી આરોપીએ 2.50 લાખની માંગ કરી હતી. ઇજારદાર દ્વારા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ છટકાનું આયોજન કરાયું હતું. ઘોડ દોડ રોડ સ્થિત પંચોલી સોસાયટી નજીક લાંચ લેતા પટાવાળાને ઝડપી પડાયો હતો, જ્યારે ફરિયાદી સાથે લાંચ પેટે હેતુલક્ષી વાતચીત કરનાર ચીફ એકાઉન્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી. નવસારી જિલ્લા અને બીલીમોરામાંથી પસાર થતાં ડીએફસીસી પ્રોજેક્ટની કામગીરી કામ કરતી ખાનગી કંપનીનાં મેનેજરે પેટા કોન્ટ્રાકટરને કામગીરી રિન્યુ કરી આપવાના કામમાં રૂ.1 લાખની લાંચની માંગ કરતાં જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ કરતા લાંચ માંગનાર ખાનગી કંપનીનો મેનેજર એસીબીના હાથે બીલીમોરામાં આબાદ ઝડપાઇ ગયો હતો. એસીબી તેને વધુ પૂછપરછ અર્થે ચીખલી સર્કિટ હાઉસમાં લઈ ગઇ હતી