Panchmahal Blast: આજે વહેલી સવારે જ પંચમહાલમાં બ્લાસ્ટની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે આ બ્લાસ્ટની ઘટના ઘટી હતી, અહીં એક પછી એક બે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનામાં 21 લોકો દાઝી ગયા હતા. હાલમાં આ તમામ લોકોને ગોધરા અને વડોદરાની સિવિલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.


ઘટનાની વિગતો એવી છે કે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામમાં રહેતા જ્યોત્સનાબેન નામની મહિલાના ઘરમાં આ બ્લાસ્ટ થયો હતો, જ્યારે તેઓ વહેલી સવારે ગેસ પર ચા બનાવી રહ્યા હતા અને અચાનક ગેસનો સિલિન્ડર ફાટ્યો હતો. આ પછી આગ સમગ્ર ઘરમાં ફેલાઇ ગઇ હતી અને ઘરમાં હાજર સભ્યો દાઝી ગયા હતા, બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા આગ બુઝાવવા માટેના પ્રયાસ કર્યા હતા. જોકે, આ દરમિયાન જ ઘરમાં મૂકી રાખેલો બીજો ગેસનો બાટલો પણ આગળની ઝપેટમાં આવતા ફાટ્યો હતો, અને આગ તેમના ઘરથી બહાર નીકળી આજુબાજુના ઘરોમાં પણ પ્રસરી હતી. આમ આગ જ્વાળામુખી થતાં ઘરના સભ્યોની સાથે સાથે આજુબાજુના લોકો પણ દાઝ્યા હતા, કુલ 21 લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. દાઝી ગયેલા લોકોમાં મોટાભાગે મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી 108ની ટીમો દોડી આવી હતી અને તમામ દાઝેલા લોકોને સારવાર અર્થે ગોધરા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દાઝી ગયેલા 21 માથી 5 લોકોની હાલત ગંભીર થતાં તેઓને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.


આ બનાવની જાણ કાલોલનાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ થતાં તેઓ ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. અહીં તેમને દાઝી ગયેલી ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને ભોગ બનનારા પરિવારને તમામ પ્રકારે મદદ કરવાની તૈયારી બતાવી હતી. 


આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એક ઇસમને વધુ સારવાર માટે 108 મારફતે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.  MLA ફતેસિંહ ચૌહાણ જ્યારે ખબર અંતર લેવા માટે 108 તરફ પહોંચયા ત્યારે ગંભીર રીતે દાઝી ગયેલી ઈસમે મારા પરિવારનું ધ્યાન રાખજો તેમ ધારાસભ્યને જણાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તો આ ભગવાન બધું સારું કરશે તેવા આશ્વાસન MLA ફતેસિંહ ચૌહાણ પણ આપ્યા હતા.