Panchmahal marriage scam: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં સામે આવેલા ચકચારી બોગસ લગ્ન નોંધણી કૌભાંડે વહીવટી તંત્રને હચમચાવી દીધું છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ સપાટો બોલાવ્યો છે. વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારને ડામવા માટે એક જ ગ્રામ પંચાયતમાં 5 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 29 તલાટી કમ મંત્રીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન નોંધણીમાં ક્ષતિઓ જણાતા અન્ય 5 તલાટીઓને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે.
વર્ષોથી મૂળિયાં નાખીને બેઠેલા 29 તલાટીઓની હકાલપટ્ટી
જાંબુઘોડાના કણજીપાણી ગામમાં તલાટી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડ બાદ જિલ્લાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા વિકાસ અધિકારીએ શુક્રવારે (13 ડિસેમ્બર) એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડીને જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 29 તલાટીઓની બદલી કરી દીધી છે. વહીવટી કારણોસર કરવામાં આવેલી આ બદલીનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા સમયથી એક જ સ્થાને રહેલા કર્મચારીઓની મોનોપોલી તોડવાનો છે.
કયા તાલુકામાંથી કેટલા તલાટી બદલાયા?
જિલ્લાના કુલ 6 તાલુકાઓમાં આ બદલીનો ગંજીપો ચીપાયો છે. જેમાં સૌથી વધુ ઘોઘંબા તાલુકાના તલાટીઓ પર ગાજ વરસી છે.
ઘોઘંબા: 11 તલાટી
કાલોલ: 8 તલાટી
હાલોલ: 4 તલાટી
ગોધરા: 3 તલાટી
મોરવા હડફ: 2 તલાટી
જાંબુઘોડા: 1 તલાટી
10 વર્ષથી એક જ ખુરશી પર હતા તલાટીઓ
બદલી પામેલા કર્મચારીઓના કાર્યકાળના આંકડા ચોંકાવનારા છે. કેટલાક તલાટીઓ તો છેલ્લા એક દાયકાથી એક જ ગામમાં ફરજ બજાવી રહ્યા હતા.
10 વર્ષથી વધુ: 3 તલાટી
9 વર્ષથી વધુ: 3 તલાટી
8 વર્ષથી વધુ: 8 તલાટી
7 વર્ષથી વધુ: 6 તલાટી
5 વર્ષથી વધુ: 9 તલાટી
શંકાસ્પદ કામગીરી બદલ 5 તલાટીને નોટિસ
માત્ર બદલી જ નહીં, પણ તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે. વર્ષ 2023-25 દરમિયાન 5 ગ્રામ પંચાયતોમાં થયેલી 1043 લગ્ન નોંધણીના રેકોર્ડ તપાસવામાં આવ્યા હતા. જેમાં જરૂરી પુરાવા અધૂરા હોવાનું અને રજિસ્ટરમાં ગંભીર ક્ષતિઓ હોવાનું સામે આવ્યું હતું. આ બેદરકારી બદલ નાથકુવા, કંકોડાકોઈ, ભાણપુરા, કણબીપાલ્લી અને કાલંત્રા ગ્રામ પંચાયતના તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.
શું હતું સમગ્ર કૌભાંડ?
આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી અર્જુન મેઘવાલનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં તે કબૂલતો હતો કે તેણે એક વર્ષમાં 2000 જેટલા બોગસ લગ્ન સર્ટિફિકેટ કાઢી આપ્યા છે અને તે પેટે એક લગ્નના ₹2500 વસૂલતો હતો. આ રીતે તેણે ₹50 લાખની કાળી કમાણી કરી રાજસ્થાનમાં જમીન પણ ખરીદી લીધી હતી. સરકારી રેકોર્ડ્સ મિત્રના ઘરે છુપાવ્યા હોવાની કબૂલાત બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને રેકોર્ડ જપ્ત કર્યા હતા. આ ઘટના બાદ જ તંત્ર સફાળું જાગ્યું છે અને સામુહિક બદલીનો નિર્ણય લીધો છે.